લાખાજીરાજ રોડ, એસ.બી.આઇ., ડી.એચ. કોલેજ અને ગોંડલ ચોકડી પાસે રાહદારીના રૂ.59 હજારના મોબાઇલ ચોરાયા
એસ્ટ્રોન ચોકમાં એન્ડ્રોઇડ ઝોન નામની મોબાઇલની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલા 17 વર્ષના ટાબરીયાએ વેપારીની નજર ચુકવી એક લાખની કિંમતના ત્રણ મોબાઇલ સેરવી લેવાના ગુનામાં સંડોવાયેલા નગરપીપળીયાના ટાબરીયાને એ ડીવીઝન પોલીસે ઝડપી મોબાઇલ કબ્જે કર્યા છે. જયારે લાખાજીરાજ રોડ, એસ.બી.આઇ. બેન્ક, ડી.એચ. કોલેજ અને ગોંડલ ચોકડી પાસેથી રાહદારીની નજર ચુકવી ગઠીયા 59 હજારની કિંમતના મોબાઇલ સેરવી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સરદારનગર શેરી નં. 16 માં રહેતા હનીફભાઇ ગફારભાઇ નાયક ગત તા. 25મીએ બપોરે પોતાની એસ્ટ્રોન ચોકમાં આવેલી એન્ડ્રોઇઝ ઝોન નામની દુકાને હતા ત્યારે ગ્રાહકના સ્વાગમાં આવેલ 17 વર્ષનો ટાબરીયાએ પોતાને જુના મોબાઇલ લે-વેચનો ધંધો કરતો હોવાનું જણાવી જુદા જુદા ત્રણ મોબાઇલ પસંદ કરી પેમેન્ટ ન ચુકવી નજર ચુકવી ભાગી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
એ ડીવીઝન ના પી.આઇ. કે. એન. ભુકણ, એ.એસ.આઇ. એમ.વી. બુવા, અશ્ર્વિનભાઇ અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કાલાવડ રોડ પર આવેલા નગરપીપળીયા ગામના 17 વર્ષના ટાબરીયાને સીસી ટીવી કુટેજના આધારે ઝડપી તેની પાસેથી એક લાખની કિંમતના ત્રણ મોબાઇલ કબ્જે કર્યા છે.
યુનિવસિટી રોડ પર આવેલી મહાલક્ષ્મીનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ કિશોરભાઇ સુરેલીયાનો રૂ. 5500 ની કિંમતનો મોબાઇલ લાખાજીરાજ રોડ પરથી શ્રોફ રોડ પર રહેતા મનહરદીપસિંહ વિક્રમસિંહ ઝાલાનો રૂ. 6 હજારની કિંમતનો મોબાઇલ એસ.બી.આઇ. જીમખાના બ્રાન્ચમાંથી સોમનાથ સોસાયટીમાં રહેતા પ્રતુલભાઇ ભાનુભાઇ રાવલનો રૂ. 14,500 ની કિંમતનો મોબાઇલ ડી.એચ. કોલેજની દિવાલ પાસેથી અને કાલાવડ રોડ પર ઇશ્ર્વરીયા ગામના યશ મહેશભાઇ ટંકારીયાનો રૂ. 33 હજારની કિંમતનો મોબાઇલ ગોંડલ ચોકડી પાસેથી ચોરાયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.