રાજકોટની સગીર છાત્રા અને યુવતીઓ બની અસલામત
ખૂન સહિત ૩૦થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન બે શખ્સોએ છરી બતાવી લાજ લૂંટવાના કરેલા પ્રયાસથી ખળભળાટ: પોલીસની સર્તકતાથી એક લુખ્ખાને ઝડપી શાન ઠેકાણે લાવી દીધી
સામૂહિક બળાત્કારના ગુન્હામાં જેલમાંથી છૂટી નામચીન શખ્સે ફરી લખણ ઝળકાવ્યા
શહેરમાં લુખ્ખા સામે પોલીસ દ્વારા અવાર નવાર કડક કાર્યવાહી કરવા છતાં કેટલાક અસામાજીક તત્વો પોલીસના ડર રાખ્યા વિના ખુલ્લે આમ છરી સાથે ફરી મારમારી કરવી અને સગીર બાળા અને યુવતીઓની પજવણી કરતા રોમીયાઓ બેફામ બની સરા જાહેર નિર્લજ્જ હુમલો કરતા થયા છે. ગઇકાલે યુનિર્વસિટી રોડ પર એન્જિનીયરીંગની સગીર વિદ્યાર્થીનીને અનેક ગુનામાં સંડોવાયેલા બે લુખ્ખાઓએ છરી બતાવી સરા જાહેર નિર્લજ્જ હુમલો કરતા સભ્ય સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની સર્તકતાથી એક શખ્સને ઝડપી કાયદાનું ભાન કરાવી શાન ઠેકાણે લાવી દીધી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગતરાતે એક્ટિવા પર નાસ્તો લઇને ઘરે જઇ રહેલી સગીર બાળાને યુનિર્વસિટી રોડ પર આવેલા ભગતસિંહ ગાર્ડન સામે આનંદનગર કવાર્ટરના રણજીત ઉર્ફે કાનો ઉર્ફે વચલી ટિકિટ અરવિંદ ગોહેલ અને તેના મિત્ર લાલા નામના શખ્સોએ છેડતી કરવાનું શરૂ કર્યુ હતુ.
સગીર વિદ્યાર્થી પરિસ્થિતી પામી બંને લુખ્ખાઓને મચક આપી ન હતી અને ઝડપથી પોતાના ઘર તરફ ભાગવાનો પ્રયાસ કરતા તેનો હોન્ડા પર બંને લુખ્ખાઓએ પીછો કરી એક્ટિવા આડે ઉભુ રાકી એક્ટિવા અમારૂ છે તારી પાસે કયાંથી આવ્યું કહી કારણ વિના રકઝક કરી નિર્લજ્જ હુમલો કરતા રાહદારીઓ સગીર યુવતીને બચાવવા વચ્ચે આવતા બંને લુખ્ખાઓએ પોતાની પાસે રહેલી ધારદાર છરી બતાવી રાહદારીઓને ધમકાવી ભગાડી મુકયા હતા.
રાહદારીઓ ડરી જતા બંને લુખ્ખાઓ વધુ બેફામ બન્યા હતા અને સગીર બાળાને સરા જાહેર શારીરિક અડપલા કરવાનું શરૂ કરતા તરૂણીએ બુમાબુમ કરી તે સમયે જ યુનિર્વસિટી પોલીસ મથકના ડી સ્ટાફ ત્યાંથી પસાર થતા નિસહાય બનેલી સગીર બાળાની વહારે આવી બચાવી લીધી હતી એટલુ જ નહી બે લુખ્ખા પૈકી એક શખ્સ સાથે ઝપાઝપી કરી ઝડપી કરી છરી સાથે ઝડપી લીધો હતો.
પોલીસની સર્તકતા અને સમયસર ત્યાંથી પસાર થવાના કારણે શહેરમાં કલંક્તિ ઘટના બનતી અટકી હતી એટલું જ નહી સગીર બાળા તાબે ન થાત તો તેના પર બંને લુખ્ખાઓ છરીથી ખૂની હુમલો કરવા પણ ખચકાય તેમ ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે ઝડપેલા રણજીત ઉર્ફે વચલી ટિકિટની આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. રણજીત ઉર્ફે વચલી ટિકિટ આ પહેલાં ખૂન સહિત ૩૦ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તાજેતરમાં જ શાપરની મહિલા પર થયેલા ગેંગ રેપના ગુનામાંથી જેલમાંથી છુટી ફરી લખણ ઝળકાવતા પોલીસના હાથે ઝડપાયો છે.