- તળાવનું બ્યુટીફીકેશન કરી ફરતી બાજુની દિવાલ નાની કરીને ત્યાં બેસવાની વ્યવસ્થા કરાશે : પાર્કમાં સુંદર પાથ વેનું પણ નિર્માણ થશે
રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરીયા પાર્કના ડેવલપમેન્ટ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ ઈશ્વરીયા પાર્કમાં કેવડિયા જેવું જ મિની કેક્ટ્સ પાર્ક બનાવવા તેમજ તળાવનું બ્યુટીફીકેશન કરી ફરતી બાજુની દીવાલ નાની કરીને ત્યાં બેસવાની વ્યવસ્થા કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
રાજકોટના માધાપર ગામ નજીક જિલ્લા કલેકટર હસ્તક સંચાલિત ઇશ્વરીયા પાર્ક આવેલ છે.
આ પાર્ક ખૂબ વિશાળ હોવા છતાં ત્યાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી તેની સુંદરતાના પ્રમાણમાં પ્રવાસીઓને આકર્ષવામાં ક્યાંક ઉણું ઉતર્યું છે. જેને પગલે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઈશ્વરીયા પાર્કને ડેવલપ કરવા માટે કવાયત હાથ ધરી છે.
આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ગઈકાલે ઇશ્વરીયાના ડેવલપમેન્ટ અંગે બેઠક યોજી હતી. જેમાં તળાવ આડી દીવાલ છે તેની હાઈટ ઘટાડી ત્યાં બેસવા પારી બનાવવા માટે આરએન્ડબી વિભાગને સર્વે માટે જણાવાયુ છે. આ ઉપરાંત પાથ વે બનાવવાનું પણ આયોજન છે. આ કામ ફાઇનલ થશે બાદમાં આર્ટિકેટની પેનલ બનાવાશે. બધા પાસેથી ભાવ મંગાવવામાં આવશે. તળાવ ખાલી કરી ગાંડીવેલ દૂર કરવામાં આવશે બોટીંગ ચાલુ કરવા માટે ગાંડીવેલને દૂર કરવા મહાપાલિકા સાથે કામગીરી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આ માટે પ્રાંત અધિકારી ડો. ચાંદની પરમાર આજે મહાપાલિકા સાથે બેઠક યોજવાના છે.
વધુમાં અહીં કેવડિયા જેવું જ મિની કેક્ટ્સ પાર્ક બનાવવામાં આવશે. જેમાં કેક્ટ્સની વિવિધ જાત હશે. આ ઉપરાંત અહીં ખાણી-પીણીની પણ સમસ્યા છે. અહીં શ્રેષ્ઠ ફૂડ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
બાળકો સવારે સાયન્સ મ્યુઝિયમમાં આવે, સાંજે પાર્કમાં ફરે અને રાત્રે તળાવ નજીક નાઈટ
કેમ્પિંગ કરી શકે તેવું આયોજન ગોઠવાશે
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે અહીં નાઈટ નાઈટ કેમ્પિંગ શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જેમાં શાળાના બાળકો સવારે અહીં નજીકમાં આવેલા સાયન્સ મ્યુઝીયમ ખાતે આવે બપોર સુધી મ્યુઝિયમની મુલાકાત કરે. બાદમાં સાંજે ઇશ્વરીયા પાર્કમાં ફરે અને રાત્રે પાર્કમાં તળાવ પાસે નાઈટ કેમ્પિંગ કરે તે માટે આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આ માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા ચાલી રહી છે.
તળાવ ખાલી કરી ગાંડીવેલ દૂર કરવામાં આવશે
રાજકોટમાં એક માત્ર ઈશ્વરીયા પાર્કમાં જ બોટીંગની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં અત્યારે તળાવમાં પાણી નહીંવત હોવાથી અને ગાંડી વેલનું સામ્રાજ્ય પથરાયું હોવાથી બંધ હાલતમાં છે. બોટીંગ ચાલુ કરવા માટે ગાંડીવેલને દૂર કરવા મહાપાલિકા સાથે કામગીરી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ માટે પ્રાંત અધિકારી ડો. ચાંદની પરમાર આજે મહાપાલિકા સાથે બેઠક યોજવાના છે.