એલ.સી.બી.એ 10 દિવસ પૂર્વેના બનાવનો ભેદ ઉકેલ્યો: ચારની ધરપકડ
વડીયા તાલુકાના કોલડા ગામે 10 દિવસ પહેલા લૂંટના ઇરાદે વૃધ્ધ દંપતિનું ગળુ દબાવી મારી નાખવાનો પ્રયાસ કરવાના ગુનાનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી પરપ્રાંતિય ચાર શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લામાં વધતા જતા લૂંટ, ચોરી અને આર્થિક ગુનાઓનો ભેદ ઉકેલવા, એસ.પી. હિંમકરસિંહે આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. એ.એમ.પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે વડીયા તાલુકાના કોલડા ગામે લૂંટના ઇરાદે દંપતિ પર હુમલો કરનાર મધ્યપ્રદેશના મુકામ ઉર્ફ મુકેશ હોલીયા માવી, દિલીપ મંગલ્યા, જહરસિંઘ ઉર્ફે ગુડિયો ઠાકોર, વિક્રમ તુલસી ગાવ નામના શખ્સોને સીસીટીવી અને ટેકનીકલ સર્વેન્સની મદદથી ચારેયને અલગ-અલગ સ્થળેથી ઉઠાવી આકરી પૂછપરછમાં ભાંગી પડ્યા હતાં.
ઝડપાયેલા ચારેય શખ્સોની પ્રાથમિક તપાશમાં ગત તા.3/10/22ની રાત્રિએ ચોરી કરવાના ઇરાદે ત્રાટક્યા હતા ત્યારે મગનભાઇ અને તેમના પત્ની મંજુલાબેન જાગી જતા ગળુ દબાવવાનો પ્રયાસ કરતા દેકારો કરતા નાશી ગયાની કબૂલાત આપી હતી.
ઝડપાયેલા શખ્સોની અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાશ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.