જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ભંગારની રેકડી લઈને નીકળેલા એક આધેડ નું ક્રેઇનની ઠોકરે ગંભીર ઈજા થયા પછી કરૂણ મૃત્યુ
જામનગર તા ૨૭, જામનગરમાં કાલાવડનાકા બહાર રહેતા અને ભંગારની રેકડી ચલાવતા એક આધેડ ઠેબા ચોકડી પાસેથી રેકડી લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક ક્રેઇન ના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા. જેમાં તેઓને ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અને ભંગારની રેકડી કાઢતા દયાળજીભાઈ લાધાભાઈ ખાણધર નામના ૫૫ વર્ષના આઘેડ કે જેઓ ગત ૫.૬.૨૦૨૪ ના બપોરે ૪.૩૦ વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસેથી ભંગારની રેકડી લઈને પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે ૧૦ સી.ઈ. ૧૬૯૩ નંબરની એક ક્રેઈન ના ચાલકે તેઓને રેકડી સહિત હડફેટમાં લઈ લીધા હતા. જે અકસ્માતમાં દયાજીભાઈ ને હાથ પગમાં અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી સૌપ્રથમ જામનગર અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક દયાજીભાઈ ના પુત્ર જીતેન્દ્ર ભાઈ ખાણધરે જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ક્રેઇનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભંગાર ની ફેરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આઘેડના મૃત્યુને લઈને તેના બે પુત્રી અને પુત્ર સહિતના ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
જામનગર : સાગર સંઘાણી