શાપર-વેરાવળમાં શનિવારે રાજકોટના આધેડનું અપહરણ કરી માર માર્યાનું પોલીસ મથકમાં નોંધાયું છે. ફરિયાદીના પુત્રી સાથે પાડોશીને જોઈ ગયા બાદ તેને ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના ત્રણ મિત્રો સાથે મળી કારમાં અપહરણ કરી હુમલો કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સોપાન હાઇટ્સ રૈયાધાર પાસે રહેતા હિતેશભાઈ મહેન્દ્રભાઈ અજમેરા નામના આધેડને પાડોશમાં રહેતા પુનિત વર્મા નામના શખ્સે તેના ત્રણ મિત્રો સાથે મળી શાપરથી અપહરણ કરી માર મારતા આધેડે શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ હિતેશ અજમેરાની પુત્રી સાથે પાડોશમાં રહેતા પુનિત વર્મા નામના શખ્સ સાથે જોઈ જતા તેને સોસાયટીમાં જ ઠપકો આપ્યો હતો. જે બાબતે ઉશ્કેરાયેલા પુનિતે તેના મિત્રને જાણ કરતા ભુસા ગીગા જાદવ નામના શખ્સે આધેડને ફોન કરી ધમકી આપી હતી. જે બાબતે હિતેશભાઈએ પોલીસમાં અરજી કરી હતી.
પોલીસ અરજીનો ખાર રાખી પુનિત વર્મા તેનો મિત્ર ભુસા જાદવ તથા જગદીશ કરશન રાઠોડ અને બળદેવ બચુ ડાભી નામના ચારેય શખ્સોએ શાપરમાં કામ કરતા હિતેશભાઈના કારખાને જઈ ફોન કરી બહાર બોલાવ્યો હતો. આધેડ બહાર આવતા જ પુનિત અને ભુસાએ હિતેશભાઈને છરી બતાવી શાપરથી જીજે-03-એલએમ-4153 નંબરની કાળા કલરની ક્રેટામાં ઉઠાવી જઈ માર માર્યો હતો. જેમાં હિતેશભાઈ મહાજહેમતે કારમાંથી નાસી છૂટી પોલીસમાં ફરિયાદ કરી હતી. હિતેશભાઈ અજમેરાની ફરિયાદના આધારે શાપર પોલીસે પુનિત વર્મા અને તેના ત્રણ મિત્રો સામે અપહરણનો ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ એન.એમ.રોજસરા સહિતના સ્ટાફે આરોપીની શોધખોળ હાથધરી છે.