પોરબંદર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ઘેડ પંથકમાં એક આધેડ તણાયા હતા. જેનું રેસકયુ કરી ગોસાબારાના મચ્છીયારા સમાજના યુવાનોએ તેને જીવનદાન આપ્યું હતું.

ઘેડ પંથકમાં ભાદર અને ઓઝતના પાણી ફરી વળ્યા છે. ચારેતરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નેરાણા ગામના ધીરૂભાઈ કાનાભાઈ ઓડેદરા નામના આધેડ દેરોદર અને એરડા ગામની વચ્ચેથી પસાર થતા હતા તેવા સમયે ઓચિંતા જ પૂરના પાણી આવી જતા ધીરૂભાઈ પોતાનો જીવ બચાવવા બાવળની વૃક્ષાની ડાળી પકડી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્રાા હતા.

જો કે ગઈરાત્રે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડીયાએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી હતી, જેને કારણે જિલ્લા વહીવટીતંત્રએ કોસ્ટગાર્ડની મદદ લીધી હતી અને કોસ્ટગાર્ડ દ્વારા ત્યાં હેલીકોપ્ટર પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ત્રણ કલાકની જહેમત ઉઠાવાયા બાદ પણ આ આધેડને બચાવી શકાયા ન હતા. આધેડ પ્રચંડ પ્રવાહમાં પાણીમાં તણાઈ ગયા હતા. જો કે આ તકે પોરબંદરનું ફાયર બ્રિગેડ પાણીમાં બેસી ગયું હોવાના ખૂલ્લા આક્ષોપ થયા છે. પોરબંદર નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સગા-વહાલાઓની ભરતી કરી દેવામાં આવતા પોરબંદરનું ફાયર બ્રિગેડ લંગડા ઘોડા જેવું હોવાના આક્ષેપ થઈ રહ્રાા છે અને ફાયરબ્રિગેડમાં કામ કરતા તમામ કર્મચારીઓના કવોલીફીકેશન તપાસવાની પણ માંગ કરવામાં આવી છે.

જો કે આધેડ તણાયાની જો વાત કરીએ તો ગોસાબારા ખાતે રહેતા જુમ્માબાપા મચ્છીયારાનો પરિવાર છેલ્લા કેટલાયે વર્ષોથી ખૂબ જ સારી સેવા આપી રહ્રાો છે. ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના રેસકયુ કરીને જીવ બચાવવામાં આ પરિવારની ઉતમ કામગીરી થઈ રહી છે. ગત વર્ષે પણ જ્યાં એન.ડી.આર.એફ.ની ટીમ નહોતી પહોંચી તેવા એક મંદિરમાંથી હિન્દુ પૂજારીનું રેસકયુ કરી આ મુસ્લીમ મચ્છીયારા પરિવારે કોમીએકતાના દર્શન કરાવ્યા હતા.

તો આ ઘટનામાં પણ મચ્છીયારા પરિવારના લાખાભાઈ ઈસ્માઈલ, પુનાભાઈ ઈસ્માઈલ, આરબ જફર, અબુભાઈ ઈસ્માઈલ, અસ્લમ લાખા, હાજી મામદ અને હુસેન આરબ સહિતના જાંબાઝ મચ્છીયારા તરવૈયાઓએ જીવના જોખમે ઘેડના પૂરમાં રેસકયુ કરી ધીરૂભાઈ ઓડેદરાને બચાવ્યા હતા અને 108 ની મદદથી સારવાર માટે પોરબંદર ખસેડયા હતા, જેના કારણે ધીરૂભાઈનો જીવ બચી ગયો હતો. આ મચ્છીયારા પરિવાર કોઈપણ જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદ વિના છેલ્લા કેટલાયે વર્ષોથી ઘેડ પંથકમાં પૂરની પરિસ્થિતિમાં લોકોની મદદ કરી રહ્રાો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.