૬૩ લાખ કિલોમીટર પૃથ્વીની નજીકથી પસાર થશે મહાકાય ઉલ્કા : બુર્જ ખલીફાથી ઉલ્કાનું કદ બમણુ હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
મોટી ઉલ્કા પૃથ્વી પર પડવાથી ભૂકંપ, સુનામી સહિતની કુદરતી આફતોનું જોખમ
બ્રહ્માંડમાં ઘણાખરા એવા રાઝ દફનાયેલા છે કે જેને હજુ સુધી ઘણાખરા વૈજ્ઞાનિકો તેનો તાગ મેળવી શકયા નથી. પૌરાણિક અને વૈદિક કાળથી પૂર્વજો દ્વારા અનેકવિધ રીતે માહિતીઓ આપવામાં આવી હતી કે જે ગંભીર સંશોધન બાદ કરી હોવાનું હાલના તબકકે તે સાર્થક થતા જોવા મળે છે. પૌરાણિક કાળમાં રાવણ પુષ્પક વિમાન લઈને સમગ્ર પૃથ્વી પર વિચરણ કરતો હતો તે વિમાન હવે ૨૧મી સદીમાં ડ્રોન સ્વરૂપે લોકો સામે આવ્યું છે. જયારે બીજી તરફ સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને મહાભારતનો આંખે દેખો અહેવાલ જણાવ્યો હતો કે જે ૧૫૦ કિલોમીટરના અંતરે હોવાનું પણ સામે આવ્યું હતું. આજના સમયમાં તે ટેકનિક ટેલીવિઝન તરીકે પ્રસ્થાપિત થઈ છે. ભાવાર્થ તો એ છે કે અંતરીક્ષમાં એવા ઘણાખરા રાજ દફનાયેલા છે કે જેનો તાગ હજુ સુધી વૈજ્ઞાનિકો મેળવી શકયા નથી પરંતુ તેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલ હોય.
આવનારી ૨૯મી એપ્રિલે વિશાળકાય ઉલ્કા કે જેનું કદ બુર્જ ખલીફા કરતા બમણું હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે તે પૃથ્વીથી ૬૩ લાખ કિલોમીટર નજીકથી પસાર થશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વિશાળકાય અથવા તો જે મોટી ઉલ્કા પૃથ્વી પર પડે તો ભુકંપ, સુનામી સહિતની કુદરતી આફતોનું જોખમ અનેકઅંશે વધી જતું હોય છે. સંશોધન પ્રમાણે ઉલ્કાનું ડાયામીટર ૧.૮ કિલોમીટરથી ૪.૮ કિલોમીટર હોવાનું માનવામાં આવે છે અને પ્રાપ્ત માહિતી મુજબ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પૃથ્વી પાસેથી પસાર થતુ ઉલ્કા અત્યાર સુધીની સૌથી મોટી ઉલ્કા હોય શકશે કે જે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. નાસા દ્વારા વેબસાઈટ પર જે અવલોકન કરવામાં આવી રહ્યું છે તેમાં ઉલ્કાને તેઓ ૧૯૯૮ ઓ.આર-૨ નામ આપવામાં આવ્યું છે કે જે ૨૯મી એપ્રિલનાં રોજ પૃથ્વી પાસેથી પસાર થશે પરંતુ હાલ યોગ્ય સમય આપવામાં આવ્યો નથી.
નાસાના વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર પૃથ્વી પાસેથી પસાર થતું કોઈપણ પદાર્થ જેવું કે ઉલ્કા જો ૫૦ મિલીયન કિલોમીટર નજીકથી પસાર થાય તો તે જોખમી બની શકે છે અને કોઈપણ પદાર્થ અથવા તો ઉલ્કાનું કદ એક કિલોમીટરથી વધુનું જણાય તો પૂર્ણત: તકેદારી રાખવામાં આવે છે કારણકે, આ પ્રકારની ઉલ્કા પૃથ્વી સાથે અથડાતાની સાથે જ મહાકાય વિનાશને નોતરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જે કોઈ ઉલ્કા ૧ કિલોમીટરથી વધુનું કદ ધરાવતી હોય તો તે વૈશ્ર્વિક સ્તર પર વિનાશ મચાવી શકે છે અને કુદરતી આફત જેવી કે, ભુકંપ, સુનામીનું પણ જોખમ વધી જતું હોય છે પરંતુ હાલ જે ઉલ્કા પૃથ્વી પાસેથી પસાર થવા જઈ રહ્યું છે તે કોઈ જ પ્રકારે નુકસાન પહોંચાડતું નહીં હોય તેમ નાસાના વૈજ્ઞાનિકોનું પણ માનવું છે અને તેઓએ આગાહી પણ કરી છે કે, વર્ષ ૨૦૨૦માં ઉલ્કા પૃથ્વીથી ૧,૨૨,૯૮૧ કિલોમીટરના અંતરે પસાર થશે કે જે સપ્ટેમ્બર મહિનામાં પસાર થાય તેવું માનવામાં આવે છે.