જલારામ હોસ્પિટલને ‘ભ્રષ્ટાચારનું ગ્રહણ’ નડયું?
લોન માટે બોગસ કાગળીયા ઉભા કરતા ડો.અમિત રાજ: ભુપેન્દ્રભાઈ સચદે
અવારનવાર ફરિયાદ થવા છતા ટ્રસ્ટીઓએ પ્લેકસસનો કોન્ટ્રાકટ રીન્યુ કરાતા સમાજ સ્તબ્ધ
પૂ. જલારામબાપાએ પોતાના જીવનકાળ દરમ્યાન કરેલી નિ:સ્વાર્થ સમાજ સેવાઓને યાદ કરીને દાયકાઓ બાદ પણ રઘુવંશી સહિત તમામ ધર્મ સમાજના લોકો નતમસ્તક થઈ જાય છે. જલારામ નામ યાદ આવતા જ સેવા અને પરોપકારનો અનોખો ભાવ જાગે છે. આ કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા જલારામબાપાનાં નામ સાથે જોડાયેલી રાજકોટની જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલનો દર્દીનારાયણની સેવાના ઉમદા હેતુ સાથે પ્રારંભ કરવામાં આવ્યોહતો. રઘુવંશી સમાજનું ગૌરવ વધે તેવી આ અતિ આધુનિક સુવિધા સભર હોસ્પિટલમાં બદઈરાદાવાળા લોકો ઘુસી જતા હોસ્પિટલ બદનામ થઈ જવા પામી છે. હોસ્પિટલની સાથે જલારામ બાપાનું નામ જોડાયેલું હોય રઘુવંશી સહિત તમામ સમાજના શ્રધ્ધાળુઓમાં આ બદનામી સામે દુ:ખની લાગણી પ્રસરી જવા પામી છે.
રઘુવંશી સમાજનું નામ વિશ્ર્વભરમાં ગૌરવવંતુ કરનારા પૂ. જલારામબાપાની સેવાના ધ્યેયના ચારિતાર્થ કરવા રઘુવંશી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર્દીનારાયણની સેવા કરવા માટે રાજકોટમાં હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે માટે ટ્રસ્ટે વર્ષ ૨૦૦૨માં મહાનગરપાલીકા તંત્ર પાસેથી વિકસીત એવા પંચવટી સોસાયટીમાં જમીન ખરીદ કરવામાં આવી હતી જેના પર દાતાઓનાં સહયોગથી વર્ષ ૨૦૧૭માં અતિઆધુનિક સુવિધા સભર હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ હોસ્પિટલમાં વ્યાજબી ફી અને ઉપલબ્ધ તમામ વિભાગોની સારવારને લઈને ટુંકાગાળામાં તમામ વર્ગના લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી અને આ હોસ્પિટલ જલારામ બાપાના નામે ચારિતાર્થ કરતી હોય દાતાઓ દ્વારા પણ નવી સુવિધાઓમાટે છૂટા હાથે દાનની સરવાણીઓ વહાવી હતી પરંતુ, આ ઉમદા સેવાભાવનને કોઈક કલંક લાગ્યું હોય તેમ વર્ષ ૨૦૧૫માં ટ્રસ્ટી મંડળે આ હોસ્પિટલનો એક માળ હૃદયરોગની આધુનિક સારવાર માટે પ્લેકસસ ઈન્ટરવેન્સનલ પ્રા.લી. કંપનીના ડો. અમિત રાજનને સોપવાનો કરાર કરવામાં આવ્યો હતો.
આ કરારથી બદઈરાદા ધરાવતા શખ્સોનો હોસ્પિટલમાં પ્રવેશ થતા તેઓની સેવાના બદલે મેવા ખાવાની ભાવનાના કારણે હોસ્પિટલ સમયાંતરે બદનામ થવા લાગી હતી. તેવો આક્ષેપ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન ભુપેન્દ્રભાઈ સચદેએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે પ્લેકસસ હોસ્પિટલનાં સંચાલક ડો. અમિત રાજે અન્ય ટ્રસ્ટીઓ સાથે મિલીભગત કરીને ગેરરીતિ આચરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેનો પોતે વિરોધ કરતા તેમણે ચેરમેનપદેથી હટાવવા ષડયંત્ર ચલાવવામાં આવ્યું હતુ જેથી ખોટી ખટપટ અને આક્ષેપોથી કંટાળીને સંસ્થા બદનામ ન થાય તે માટે પોતે ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતુ.
પોતે રાજીનામું આપતા આ તત્વો બેફામ બન્યા હતા અને પોતાની પર ખોટા આક્ષેપો કરવા લાગ્યા હતા. પ્લેકસસ કંપનીએ રાજકોટ સિવાયના વિસ્તારોમાં ડેવલપ કરવા માટે પોતાની તથા તેમની પુત્રી રૂચીની ક્ધસલટન્ટ તરીકે નિમણુંકનો મુદો બનાવીને આ ક્ધસલટન્સી માટે તેમને ચુકવાયેલી રકમ પર આક્ષેપો કરવા લાગ્યા હતા તેમ જણાવીને ભુપેન્દ્રભાઈએ ઉમેર્યું હતુ કે આ રકમ તેમને ચેકથી સ્વીકારી છે. અને તેને મરી આવક તરીકે દર્શાવી જે ઈન્કમટેક્ષ પણ ભરેલો છે. પ્લેકસસ હોસ્પિટળના સંચાલકોએ મારી બોગસ સહી વાળા ટ્રાઈપાર્ટી એગ્રીમેન્ટના કાગળીયા ઉભા કરીને કરોડો રૂ.ની બેંક લોન મેળવી લીધી હતી.
પ્લેકસસ હોસ્પિટલના સંચાલક ડો. અમિત રાજનના આવા બોગસ સહીવાળા દસ્તાવેજોથી ચોંકી ઉઠીને મેં રાજકોટ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી અને પોલીસ તંત્રએ આ ટ્રાઈપાર્ટી દસ્તાવેજમાં થયેલી મારી સહીની ખરાઈ કરવા ફોરેન્સીક વિભાગમાં મોકલી આપ્યા છે. તેમ જણાવીને ભુપેન્દ્રભાઈએ ઉમેર્યું હતુ કે પ્લેકસસ હોસ્પિટલનાં સંચાલકોએ જલારામ હોસ્પિટલ ટ્રસ્ટને કરાર મુજબ સતત બે વર્ષ સુધી ચૂકવવા પાત્ર થતી રકમ ચૂકવી ન હતી જે સામે મેં વાંધો લીધો હોવા છતાં ડો. રાજન સાથે ગેરરીતિમાં સંકળાયેલા ભ્રષ્ટ ટ્રસ્ટીઓએ આ બાકી રકમ વસુલ્યા વગર બહુમતીથી માત્ર ૨૬ હજાર બાકી જેવી મામૂલી રકમ વસૂલીને કોન્ટ્રાકટ રીન્યુ કરી આપ્યો હતો. જે કરીને ભ્રષ્ટ ટ્રસ્ટીઓ ડો. રાજની ગેરરીતિઓ સાથે સંકળાયેલા હોવાનું પૂરવાર થાય છે.
જલારામ હોસ્પિટલને રાજય સરકારના મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ હૃદયની સારવાર આપવાની મંજૂરી આપવામા આવી હતી પરંતુ પ્લેકસસ હોસ્પિટલના સંચાલકો આવા કાર્ડ ધરાવતા દર્દીઓને કાર્ડ હેઠળ નિયમાનુસાર મફતમાં સારવાર આપવાના બદલે ખોટા બહાના બનાવીને કાર્ડમાં સારવારનો લાભ લેવા માટે અગાઉથી જાણ કરવી પડે, વેઈટીંગમાં વારો આવે તેવા બહાનાઓ બનાવીને મજબુરીનો લાભ લઈને મસમોટા બિલ ફટકારો છે આ અંગે મે સમયાંતરે ટ્રસ્ટના ચેરમેન અને ટ્રસ્ટીઓનું ધ્યાન દોરીને તેમની આવી પ્રવૃત્તિના કારણે જલારામ હોસ્પિટલ બદનામ થતી હોવાની રજૂઆતો કરી હતી છતા પ્લેકસસના સંચાલકો સામે આજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમ ભુપેન્દ્રભાઈએ ઉમેર્યું હતુ.
રઘુવંશી ફાઉન્ડેશન ટ્રસ્ટમાં મળેલી દાનની રકમમાં ઓનપેપર અને વાસ્તવમાં મળેલી રકમમાં ભારે ફરક હોય આ આર્થિક ગેરરીતિ અંગે ટ્રસ્ટીઓને રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી. ટ્રસ્ટની મીનીટ બુક માંગવા છતા મળતી નથી. બહાનું એવું આપવામાં આવે છે કે મિનિટ બુક ખોવાઈ ગઈ છે જે મીનીટ બુક ખોવાઈ ગઈ હોય તો નિયમાનુસાર પોલીસ ફરિયાદ કેમ કરાતી નથી. તેવો આક્ષેપ કરરીને ભુપેન્દ્રભાઈએ ઉમેર્યું હતુકે પ્રદીપભાઈ ગાંધીને એક દિવસના ચેરમેન બનાવવા પાછળ પણ કાંઈક રંધાયું છે. તાજેતરમાં તેમને ટ્રસ્ટમાંથી કાઢવા માટે તાજેતરમાં પ્રયાસો કરવામાં આવ્યા હતા આવા પ્રયાસોની તેમરે જાણ થતા ચેરીટી કમિશનરને રજૂઆત કરીને ભ્રષ્ટ ટ્રસ્ટીઓના આવા કારનામા અંગેની જાણ કરી હતી.
પૂ. જલારામ બાપાના નામ સાથે જોડાયેલી જલારામ હોસ્પિટલ વધારે બદનામ ન થાય તે માટે પોતે રાજીનામું આપવા તૈયાર છે. પરંતુ સાથે તમામ વર્તમાન ટ્રસ્ટીઓ રાજીનામા આપીને રઘુવંશી સમાજના તટસ્થ અને પ્રતિષ્ઠિત લોકોને સંચાલન સોંપવામાં આવે તેમ જણાવીને ભુપેન્દ્રભાઈએ અંતમાં ઉમેર્યું હતુ કે જે હેતુ સાથે આ હોસ્પિટલનો પ્રારંભ થયો હતો. તે હેતુ જાળવી રાખવા માટે પ્લેકસસ કંપનીના ડો.અમિત રાજ જેવા ભ્રષ્ટ લોકોને દૂર કરવા હાલના સમયની અને સમાજ શ્રેષ્ઠીઓની લાગણી છે.
પ્લેકસસમાં સારવાર દરમ્યાન મહિલાનું અચાનક મૃત્યુ થતા પરિવારજનોએ ડો.રાજને આડે હાથ લીધા હતાજલારામ હોસ્પિટલમાં કોન્ટ્રાકટર બેઈઝ પર કાર્યરત પ્લેકસસ હોસ્પિટલમાં મા અમૃત્તમ કાર્ડ યોજના હેઠળ સારવાર આપવામાં દાદાગીરી ચલાવવી હોવાની ફરિયાદો અવાર નવાર ઉઠતી રહી છે.
આ ફરિયાદો વચ્ચે તાજેતરમાં સામાન્ય તાવની સારવાર માટે દાખલ થયેલી ધોબી મહિલા જયશ્રીબેન વિજયભાઈ પરમારનું સારવાર દરમ્યાન ડોકટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું હતુ મૃતક જયશ્રીબેનના પરિવારજનોએ કરેલા આક્ષેપો મુજબ પ્લેકસસ હોસ્પિટલના ડો. દીનેશ રાજની બેદરકારીના કારણે તેમને કીડનીમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. આ બેદરકારી છુપાવવા જયશ્રીબેનના પરિવારજનોને અંધારામાં રાખીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.
પરંતુ, સારવાર કારગત ન નીવડતા જયશ્રીબેને આખરીશ્વાસ લીધા હતા સારવારમાં બેદરકારીથી ઉશ્કેરાયેલા તેના પરિવારજનોએ ડો. દીનેશ રાજને આડેહાથ લઈને મીડીયાની સામે ધોલધપાટ કરી હતી આ સમગ્ર બેદરકારીનો કિસ્સો દિવસો સુધી મીડીયામાં ચમકયો હતો. જેના કારણે જલારામ હોસ્પિટલ કારણ વગર બદનામ થઈ હોવા છતા ભ્રષ્ટ ટ્રસ્ટીઓએ પ્લેકસસ હોસ્પિટલના ડો. રાજન તગેડી મૂકવાના બદલે તેમને છાવરીને વધુ બેદરકારી કરવા માટે પ્રેરી રહ્યાનો પણ ભુપેન્દ્રભાઈ સચદે આક્ષેપ કર્યો હતો.