પરિવારના અન્ય સભ્યોના કોરોના રિપોર્ટ નેગેટીવ તપાસ પર અસર પડે તેવી પણ સંભાવના
અબતક, રાજકોટ
કોર્પોરેશનની ઇસ્ટ ઝોન કચેરીના આસિસ્ટન્ટ એન્જીનીંયર પરેશ જોષીએ કરેલી આત્મહત્યાની તપાસ માટે મ્યુનિ.કમિશનર દ્વારા 3 સભ્યોની સમિતિ રચવામાં આવી છે. જેમાં સભ્ય તેવા આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર સમીર ધડુકનો કોરોના રિપોર્ટ આજે પોઝીટીવ આવતા તેઓ હોમ આઇસોલેશન હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેઓના પરિવારના અન્ય સભ્યોના કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. એ.એમ.સી. કોરોનાના સંકજામાં સપડાતા હવે ઇજનેરના આપઘાત માટે રચાયેલી તપાસ કમિટી પર કામગીરીની અસર પડે તેવી સંભાવના પણ જણાઇ રહી છે.
કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર સમીરભાઇ ધડુકને બે દિવસ પૂર્વે તાવ અને શરદી-ઉધરસ જેવા કોરોનાના લક્ષણો જણાતાં તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે સવારે તેઓના પરિવારના 3 સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ત્રણેય નેગેટીવ આવ્યા છે. આસિસ્ટન્ટ ઇજનેર પરેશ જોષીના આપઘાત પ્રકરણમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા જે ત્રણ સભ્યોની કમિટી રચવામાં આવી છે. તેમાં આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર સમીર ધડુકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જ્યારે તેઓ કોરોનાના સંકજામાં સપડાયા છે ત્યારે તપાસ સમિતિની કામગીરી પર અસર થાય તેવી પણ શક્યતા જણાઇ રહી છે.