જીબીઆ પ્રમુખ ગોરધન ઝડફીયાની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો, ઉર્જામંત્રીએ બીનકાયદેસર ઓર્ડર રદ્ કરવા જેટકોના એમડીને આદેશ આપ્યો
જેટકોના પડતર પ્રશ્ર્નો બાબતે ઉર્જા મંત્રી સાથે મિટીંગ થતા સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા દ્વારા બિનકાયદેસર ઓર્ડર બાબતે ઉર્જા મંત્રીને રજુઆત કરતા ઉર્જા મંત્રી દ્વારા જેટકો એમડીને ઓર્ડરો રદ કરવાની સુચના આપવામા આવેલ છે. જેથી આંદોલન મોકુફ રાખવામાં આવ્યું છે.
જેટકો કંપનીના ઇજનેરોના તેમજ સ્ટાફના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ર્નો બાબતે જેટકો મેનેજમેન્ટને તારીખ 06 જૂનના રોજ હડતાલની નોટિસ પાઠવવામાં આવેલ હતી. જેમાં મુખ્ય માંગોમાં પોલીસી વિરુધ્ધ જુનિયર ઇજનેરના બિનકાયદેસર રીતે કાઢવામાં આવેલ 6 જેટલા નાયબ ઇજનેરના રદ થયેલા ઓર્ડરો ફરી રીસ્ટોર કરી મોડીફીકેશન કરેલ બઢતીના હુકમો તેને રદ કરવાની માંગણી, લાંબા સમયથી પેન્ડિંગ સ્ટાફ સેટ અપ નોમ્સ મુજબ ફાળવવાની માંગણી, હોટલાઇન કેડરમાં કામગીરી કરતા અધિકારી તેમજ કર્મચારીઓને હોટલાઇન એલાઉન્સ રીવાઇઝ કરવાની માંગણી, આ ઉપરાંત જેટકોના કર્મયારીઓ અને અધિકારીઓને મળતું પર્ફોમન્સ બેઇઝ ઇન્સેટિવ સ્કીમમાં યુનિયન એસોસિએશનને વિશ્ર્વાસમાં લીધા વગર એક તરફી નિર્ણય કરેલ તેનો વિરોધ બાબત, જેટકો કંપની દ્વારા એકતરફી નવિન સ્ટાફ સેટઅપમાં ટેકનિકલ કેડરની આસિસ્ટંટ ઓપરેટર તથા એસબીઓ તથા નોનટેકનિકલ કેડરમા સિનિયર આસિ. અને જુનિયર આસિ.ના કાર્યબોજનો અભ્યાસ કર્યા વગર પોસ્ટો ઘટાડવામા આવેલ છે. તે રીસ્ટોર કરવા બાબત હતી.
આ તમામ પ્રશ્ર્નો જેટકો મેનેજમેન્ટ દ્વારા કોઇ ઉકેલ ન લાવતા તારીખ 06 જૂનના રોજ જીબીઆ દ્વારા આંદોલનની નોટિસ પાઠવવામાં આવેલ તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ટેકો આપવામા આવેલ. ત્યારબાદ ક્રમશ જેટકો મેનેજમેન્ટ તથા જીયુવિએનએલ દ્વારા તારીખ 26 જૂનના રોજ ગાંધીનગર ખાતે વીઆઇપી ગેસ્ટ હાઉસમાં મેનેજમેન્ટ તરફથી જીયુવિએનએલ ડાયરેકટર એડમીન તેમજ જેટકો એમડી અને જનરલ મેનેજર એચ આરની હાજરીમાં જીબીઆ કોર કમિટી સાથે મીટીંગ આયોજિત થયેલ.
પરંતુ મેનેજમેન્ટ દ્વારા હકારાત્મક વલણ ન દાખવતા મંત્રણા ભાંગી પડેલ અને ત્યારબાદ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા નીચે જેટકો કંપનીમાં તારીખ 27 જૂનના રોજ 2000 જેટલા કર્મચારીઓએ માસ સીએલ મૂકીને આંદોલનનો પ્રારંભ કરેલ અને માસ સીએલ મૂકીને પણ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા જામનગર, અંજાર, ભુજ, દ્વારકા, પોરબંદર, મોરબી, જુનાગઢ વગેરે વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમા પાવર રીસ્ટોરેશનની કામગીરી ચાલુ રાખેલ તથા શિફ્ટ ડ્યુટીના અધિકારી તથા કર્મચારી દ્વારા પણ કામગીરી ચાલુ રાખેલ. તથા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પાવરની જાળવણી રાખી ફરિયાદ ન આવે તે પ્રમાણે કામગીરી કરેલ.
ત્યારબાદ તારીખ 27.06.2023ના રોજ સાંજના ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના હોદેદારો બી એમ શાહ, બળદેવભાઇ પટેલ, નીરવ બારોટ, એચ જી વધાસિયા, હર્ષદભાઇ પટેલ સાંજે છ કલાકે જીબિઆના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયા સાહેબને મળેલ અને જેટકોમાં તારીખ 28.06.2023 થી અનિશ્ર્ચિત મુદતની હડતાલ પર જવાના હોય આ બાબતે વાત કરતા પ્રમુખ દ્વારા ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનો સંપર્ક કરતા તેમના દ્વારા ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સભ્ય સાથે પ્રમુખની હાજરીમાં તારીખ 03.07.2023 સુધી હડતાલ સ્થગિત રાખી મીટીંગ આયોજિત કરવાનું નક્કી થયેલ. જેના અનુસંધાને તા. 03.07.2023 ના રોજ ગાંધીનગર ખાતે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ગુજરાત ઊર્જા સંકલન સમિતિના કોર કમિટી મેમ્બર સાથે મિટિંગ થયેલ.
આ મિટીંગમાં જીયુવિએનએલના ચેરમેન, જીયુવિએનએલ ડાયરેક્ટર એડમીન, પાવર સેક્રેટરી, જેટકો એમડી, જનરલ મેનેજર એચ આર તથા ગુજરાત ઊર્જા સંકલન સમિતિ તરફથી બી એમ શાહ, બળદેવભાઇ પટેલ, એચ જી વઘાસિયા, એ ડી હૂલાણી, નીરવ બારોટ, હર્ષદભાઇ પટેલની હાજરીમાં ઉપરોક્ત તમામ જેટકોના પેન્ડિંગ પ્રશ્ર્નોની ચર્ચા વિચારણા થયેલ. આ બાબતે ઉર્જા મંત્રી દ્વારા મેનેજમેન્ટને એસોસિએશનના પ્રશ્ર્નો બાબતે નિરાકરણ કરવાની સૂચના આપેલ. તેમજ પોલિસી લેવલના અગત્યના પ્રશ્ર્ન જે 6 નાયબ ઇજનેરોના રદ થયેલા ઓર્ડરો રીસ્ટોર કરીને મોડીફીકેશન કરેલ તેને રદ કરવાની સુચના જેટકો એમડીને આપેલ. આથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા હડતાલના આગળના કાર્યક્રમ રદ કરવામાં આવેલ અને આ હડતાલને સમાપ્ત કરવામાં જીઇબી એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા દ્વારા મહત્વની ભુમિકા નિભાવવા બદલ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા તેમનો ખાસ આભાર માનવામાં આવે છે. આ ઉપરાંત મંત્રી દ્વારા ઇજનેરોની અને કર્મચારીઓની વાવાઝોડા દરમિયાન કરેલી કામગીરીની પ્રશંસા કરેલ.