જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રિકવરી રેટ વધે તે માટે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્રની અસરકારક કામગીરી: મુખ્યમંત્રીની સમીક્ષા મુલાકાત
ગુજરાતમાં કોરોનાને મહાત કરવા સરકાર, વહીવટી તંત્ર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં કોરોના ચેઈન તૂટી છે અને કોરોનાની રિકવરી રેટમાં પણ વધારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે 1લી મે થી ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યું છે. આવતીકાલે તા.4ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ મુલાકાતના જાહેર થયેલા કાર્યક્રમને લઈ તંત્રમાં ભારે જોમ આવી ગયું છે. કોરોના વકરે તે પહેલા જૂનાગઢમાં મુખ્યમંત્રીનો પડાવ થશે.
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કાબુમાં આવે તે માટે 1લી મે થી શરૂ થયેલા ગ્રામ્ય વિસ્તારમાં પ્રત્યેક ગ્રામ પંચાયતના ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન વધુને વધુ અસરકારક બને તે માટે કોઈપણ જાતની કચાસ ન રહે અને જૂનાગઢમાં કોરોના વકરે તે પહેલા જ તેને કાબુમાં લેવા માટે વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સંબંધીત કોરોના વોરીયર્સ સાથે આવતીકાલે જૂનાગઢમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બેઠક યોજાશે.
‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ના ‘અબતક’ના અભિયાનની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા રાજ્યભરમાં કોરોના જનજાગૃતિ માટે અને પંચાયતી વ્યવસ્થા તંત્રને કોરોના સામેની કામગીરીમાં જોડવા માટે 1લી મે થી શરૂ થયેલા ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનમાં રાજ્યના 14000 ગામડાઓમાં 10-10ની સમીતીની રચના કરી 1,40,000 વ્યક્તિઓને સરકારી વહીવટી તંત્ર સાથે પ્રજા અને સરકાર વચ્ચેના સેતુ બનાવીને કોરોનાની જાગૃતિ અને તેને કાબુમાં લેવાની કામગીરીને ગુજરાતનું ચિત્ર પલ્ટાવવામાં કામે લેવાશે. જૂનાગઢમાં કોરોનાની પરિસ્થિતિ વકરે તે પહેલા જ તેને કંટ્રોલમાં લેવા માટે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જૂનાગઢમાં પડાવ છે. જૂનાગઢ કલેકટર ડો.પારઘીના માર્ગદર્શનમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની પરિસ્થિતિ કાબુમાં લેવા માટે સીમાચિન્હરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં દિવસ-રાત કોરોના વોરીયર્સ જેવી કામગીરીથી રિકવરી રેટ જલ્દીથી કાબુમાં આવે તે માટેના સુચારૂ પ્રયાસો થઈ રહ્યાં છે.
કોરોના વકરે તે પહેલા જ જૂનાગઢમાં મુખ્યમંત્રીનો પડાવ જેવા કાર્યક્રમમાં મુખ્યમંત્રી બપોર બાદ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારી, પદાધિકારીઓ સાથે કોરોનાની પરિસ્થિતિને લઈને સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારીને લઈને વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી કામગીરીની સમીક્ષા અને હવે આગળની રણનીતિ શું છે તે અંગેની ચર્ચા-વિચારણા અને સુચનો આપશે. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારી, કર્મચારી સાથેની સમીક્ષા બેઠક બાદ સંપૂર્ણ પરિસ્થિતિની વિગતો માટે મુખ્યમંત્રી પત્રકાર પરિષદને પણ સંબોધનાર હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.