- કલેકટર કચેરી લુણાવાડા ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
- “હર ઘર તિરંગા” અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેવા કલેક્ટરનો અનુરોધ
મહીસાગર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે, મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને લુણાવાડા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, વ્યાપારી સંકુલો, શાળાઓ, ઘરો પર તિરંગો લહેરાવા અને આ અવસરમાં સૌ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. દરેક નાગરિકો પોતાના ઘરો પર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ તે અંગે સંકલન કરવાની સુચના આપી હતી. શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવા, તિરંગા યાત્રાના રૂટની પસંદગી સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ,પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટિલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર : સાગર ઝાલા