નર્મદા: તા.7મી થી 15 મી ઓક્ટોબર સુધી ચાલનારા વિકાસ સપ્તાહના પ્રારંભે જિલ્લાના અમલીકરણ અધિકારશ્રીઓએ ભારત વિકાસની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લાના નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને પ્રમાણપત્ર મોબાઈલ પર મેળવી શકાશે. ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2014 અને 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.7 થી 15 ઓક્ટોબર-2024 સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના પ્રારંભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક અને ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.
“વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. અને કચેરીના કાર્મયોગીઓ પણ આ વિકાસ સપ્તાહમાં સક્રિય રીતે સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી.
આ સપ્તાહની ઉજવણી દરમિયાન થિમેટિક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ મીડિયા-ડિજીટલ મીડિયા ઝૂંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલાસ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે સૌ અધિકારીશ્રીઓએ દેશ માટે સમર્પિત ભાવના સામુહિક ભારત વિકાસના શપથ લીધા હતા. અને પ્રતિક્ષાનું વાચન કર્યું હતું.
સપ્તાહના પ્રથમ દિવસે નર્મદા જિલ્લા માહિતી કચેરી સહિત અન્ય વિભાગોના અધિકારીઓ- કર્મયોગીઓ દ્વારા પણ વિકાસના શપથ લેવામાં આવ્યા હતા. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.