- એસીપી દિયોરા, સિવિલ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી અને આર.એમ.ઓ. ડો.મહેન્દ્ર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ વ્યવસ્થાનો તાગ મેળવ્યો
- સિવિલ હોસ્પિટલના પિકપોઈન્ટ પર સીસીટીવી અને સિક્યુરિટી વધારવા અંગે એસીપી દિયોરાએ આપી સુચના: પોલીસ ફ્રી ડ્રેસમાં કરશે ચેકીંગ
- મોબાઈલ અને વાહનચોરી સાથે લુખ્ખાગીરી અટકાવવા માટે સિવિલ તંત્રની સાથે પોલીસ તંત્ર પણ હવે ખડેપગે રહેશે
સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રહેલી રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી વધતી જતી ગુનાખોરી સામે સિવિલ અને પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જેના ભાગરૂપે આજરોજ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીની અધ્યક્ષતામાં એસીપી પી.કે. દીયોરા પ્રદ્યુમન પોલીસ મથકના પીઆઈ વ્યાસ અને સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.મહેન્દ્ર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એસીપી પી.કે.દીયોરા સહિતના પોલીસ સ્ટાફે સિવિલ સુપરિટેન્ડેન્ટને નકશા સાથે હોસ્પિટલમાં ક્યાં પોઇન્ટ પર વધુ ગુનાખોરી બનતી રહે છે તે અંગે સમજણ આપી હતી. તો બીજી તરફ આમ જનતાની સુરક્ષા અને વ્યવસ્થા વધારવા માટે પણ સિવિલ તંત્રએ પૂરી તૈયારીઓ દાખવી હતી.
સિવિલ તંત્ર સાથે પોલીસ પણ સાથે રહીને કરશે કામગીરી: એસીપી દીયોરા
સિવિલ હોસ્પિટલમાં મળેલી પોલીસતંત્ર અને સિવિલ તંત્રની બેઠકમાં એસીપી પી.કે. દીયોરાએ અનેક બાબતો પર સિવિલ સર્જનનું ધ્યાન દોર્યું હતું. એટલું જ નહિ પણ સિવિલ સુપરિટેન્ડેન્ટને સુચના આપી હોસ્પિટલમાં ઉભી થતી તુટીઓ અને સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે. એસીપી પી.કે. દીયોરાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના પિકપોઇન્ટ પર હાઇલી રિસોલ્યુસન સીસીટીવી કેમેરા થતા ટ્રાફિકની સમસ્યાઓને નિવારવામાં પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી છે.
એટલું જ નહિ પોલીસ પણ છાસવારે સરપ્રાઈઝ ચેકીંગ લેતા રહેશે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ એસીપી દીયોરાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીનું મહેકમ ઘણું જૂનું થઈ ગયું છે. જેના કારણે સિવિલમાં પિક પોઇન્ટ પર સિક્યુરિટી વધારવાનું પણ જણાવ્યું છે.
આમ જનતાની સુરક્ષા અને વ્યવસ્થા માટે સિવિલ- પોલીસ તંત્ર સજ્જ: તબીબી અધિક્ષક
આજ રોજ સિવિલ હોસ્પિટલમાં મળેલી એસીપી દિયોરા અને સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી અને સિવિલ સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ અંગે તબીબી અધિક્ષક ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે સિવિલ હોસ્પિટલમાં વધતાં જતાં ચોરી અને લુખ્ખા ગીરીની ઘટનાઓને ડામવા માટે એસીપી દિયોરાં દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલું જ નહિ પોલીસ પણ સિવિલ હોસ્પિટલમાં
પિક પોઇન્ટ પર વધુ ધ્યાન આપશે અને સરપ્રાઈઝ ચેકીંગ કરશે. આ સાથે વધુમાં અધિક્ષક જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતી જનતાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સિવિલ અને પોલીસ તંત્ર સાથે કામ કરશે. ટૂંક સમયમાં અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.