પાણીજન્ય-મચ્છરજન્ય રોગોના અટકાવવા અંગે કરવા અનુરોધ
ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પ્રવર્તમાન મિશ્ર ઋતુમાં જોવા મળતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે કરાયેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કરી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી નિલેશ રાઠોડે તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ કામગીરી અંતર્ગત ઓ.પી.ડી., બ્લડ રિપોર્ટ તેમજ સારવારના આંકડાઓ પૂરા પાડ્યા હતા. જ્યારે વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરઓએ પાણીનુ ક્લોરીનેશન, ક્લોરિન ટેસ્ટ, બેક્ટેરિયલ ટેસ્ટ, પાણીની પાઇપલાઇનના ટેસ્ટીંગ સહિતની કામગીરીની માહિતી પૂરી પાડી હતી. કલેક્ટરએ આ તકે ગામડાઓમાં પાણીની ટાંકીઓ યોગ્ય રીતે સાફ-સફાઈ કરવા ટી.ડી.ઓ.ને સૂચના આપી હતી.
ધારાસભ્ય પાડલીયાએ ગ્રામ્ય વિસ્તારોમાંબરફ અને બરફની બનાવટોના નમુના લેવા, રસના ચિચોડા પર સાફ-સફાઈ રહે તેમ જ યોગ્ય બરફનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર જી. જે. મહેતા, સિવિલ હોસ્પિટલના ડોક્ટર નથવાણી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.