- માતા – બાળકના મૃત્યુદર, સિકલસેલ એનિમિયા, સ્ક્રીનિંગ સહિત આરોગ્ય અંગેના અન્ય પ્રશ્નો અંગે તાલુકાઓ લેવલના ડેટા રજૂ કરાયા
- સારા ડેટા કરતા સાચા કામ પર વધારે ધ્યાન આપી કામગીરી કરવી – કલેકટર યોગેશ નિરગુડે
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડી મીટીંગ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત COTPA-2003 એક્ટની સ્ટીયરીંગ કમીટી, સંચારી રોગ અટકાયતી જિલ્લા સંકલન અને સર્વેલન્સ કમીટી, સીકલસેલ-થેલેસેમીયા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સંકલન સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી. જે દરમ્યાન આરોગ્યના તમામ પ્રોગ્રામની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મિટિંગ દરમ્યાન માતા – બાળકના મૃત્યુદર થવાના કારણો જાણવા સહિત મૃત્યુદર ઘટાડવા માટેના કરવાના થતા પ્રયત્નો, સિકલસેલ એનિમિયા, સ્ક્રીનિંગ સહિત આરોગ્ય અંગે તાલુકાઓ લેવલના ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. જે માટે કલેકટર દ્વારા એ અંગે વિગતે ચર્ચા કરવા સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સાથે માતા અને બાળમરણનું પણ રીવ્યુ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આવા પ્રોબ્લેમ ન સર્જાય તે માટેની તકેદારી રાખવા જણાવાયું હતું.
સિકલસેલ એનિમિયા માટે કરવામાં આવી રહેલી કામગીરી તેમજ હોસ્પિટલમાં પેશન્ટના રિપોર્ટ્સ અંગેની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવતાં કલેકટર યોગેશ નિરગુડેએ ડેટા પરફેક્ટ હોવા જોઈએ. સારા ડેટા કરતા સાચા કામ પર વધારે ધ્યાન આપી કામગીરી કરવા તેમજ માતાઓ અને બાળકો પર વધારે ધ્યાન આપવા સંબંધિત તમામ મેડિકલ ઓફિસરઓને સૂચના આપી હતી.
ટાઇફોઇડ, ટીબી, કોલેરા જેવા રોગો સાથે સીઝનલ ફલૂ માટેના સ્ક્રીનિંગ કરવા સહિત જરૂરી દવાઓના અવેલેબલ સ્ટોક અને દવાઓની એક્સપાયરી ડેટ ચેક કરવા જણાવાયું હતું. ઉપરાંત ઉનાળાને ધ્યાને લઇને મિનરલ વોટર માટેની ફેક્ટરીનું ચેકીંગ હાથ ધરવા સહિત હિટવેવ અંગે જાહેર હિતમાં જરૂરી સુચનાઓ અંગે પ્રસાર – પ્રચાર કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, રેલ્વે અધિકારી, ઝાયડસ હોસ્પિટલના અધિકારીઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરશ્રીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.