કર્મચારીઓના બાકી પેન્શન, લોકોની અરજીઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવી, કચેરીઓનાં બાકી પ્રશ્ર્નોનો નિકાલ કરવો સહિતના મૂદે ચર્ચા વિચારણા કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજે મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી બાકી લેણાની વસુલાતમાટે ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ,તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા તથા ધારાસભ્ય સર્વ નૌશાદભાઈ સોલંકી, સોમાભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયાએ વિજળી, રસ્તાઓ, શિક્ષણ, સુરક્ષા અને આરોગ્ય બાબતે વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.