માસાંતે યોજાનાર બેઠકમાં કાયમી અધ્યક્ષની નિમણુંક માટે પણ ચર્ચા- વિચારણા થઈ શકે છે
અબતક, નવી દિલ્હી : કોંગ્રેસમાં આંતરિક વિવાદો ચરમસીમાએ પહોંચેલા છે. ત્યારે આ આંતરિક વિવાદોને ખાળવા માટે માસાંતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવા જઈ રહ્યું છે. જો કે હાલ સુધી બેઠકની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. જો કે અગાઉ સોનિયા ગાંધી પણ સંકેત આપી ચુક્યા છે કે આ મહિને સીડબલ્યુસીની બેઠક ટૂંક સમયમાં બોલાવવામાં આવશે. જેમાં પાર્ટીના આંતરીક મુદાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જી-20માં સામેલ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ પણ સંગઠનમાં સુધારાની માંગ કરી રહ્યા છે.
સંગઠન અને પંજાબ સહિતના રાજ્યોમાં કોંગ્રેસમાં આંતરિક ઉથલ પાથલ સર્જાઈ છે. આ દરમિયાન માંગ ઉઠી છે કે તાકીદે એક્શન લેવા એક બેઠક બોલાવવામાં આવે. આઝાદે આ મામલે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પણ સીડબ્લ્યુસીની બેઠક બોલાવવાની માંગ ઉઠાવી હતી. તેઓએ કહ્યું કે પક્ષને લઈને કોઈ નેતાના સલાહ સુચન હોય તો એ બેઠકમાં મળી શકે છે અને તેના ઉપર અમલ થઈ શકે છે.
વધુમાં કોંગ્રેસના કાયમી અધ્યક્ષ પદ માટે નવી નિમણુંક કરવાની પણ વાત ચાલી રહી છે. જેથી આ નવી નિમણુંક માટે પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી શકે છે.