5 તાલુકામાં 126 પશુ અસર ગ્રસ્ત : 24,892 પશુઓને રસીકરણ
માણસને જેમ કોરોનાએ હંફાવ્યો હતો એમ હાલ પશુઓમાં વકરી રહેલા લમ્પી વાયરશે પશુ પાલકોમાં ચિંતા પ્રસરાવી દીધી છે.રાજકોટ જિલ્લામાં 5 તાલુકામાં 126 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના અન્ય નગરોમાં પણ પશુઓમાં વાઈરસ જોવા મળી રહ્યો છે.સંક્રમણ વધતા પશુપાલકોમાં ચિંતાની લાગણી જન્મી છે.
પશુઓમાં ફેલાતો લમ્પી વાયરસ હવે રાજકોટ જિલ્લામાં પણ ફેલાયો છે, જેમાં અત્યાર સુધીમાં 126 કેસ ધ્યાન ઉપર આવ્યા છે, જો કે, આ લમ્પી વાયરસના કારણે એકપણ પશુનું મોત નિપજ્યું નથી. માણસમાં કોરોનાની માફક પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, પરિણામે રાજકોટ જિલ્લા પંચાયતના પશુ પાલન વિભાગની દોડધામ વધી ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના અન્ય નગરોમાં જોવા મળતો આ રોગ હવે રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે.
તંત્ર દ્વારા હાલમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યુ છે. પરંતુ સંક્રમણ વધતા પશુપાલકોમાં ચિંતાની લાગણી જન્મી છે.પશુઓમાં ઝડપથી વધી રહેલાં આ લમ્પી વાયરસને નાથવા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા સક્રિય રીતે કાર્ય કરી રહેલ છે. અને વહેલામાં વહેલી તકે આ પ્રસરી રહેલ રોગને કાબુમાં લાવવા જિલ્લામાં રસીકરણ હાથ ધરાયુ છે તેમ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદરે અબતકને જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતના પશુ પાલન વિભાગ દ્વારા 12 પશુ ચિકિત્સક અધિકારીની રાહબરીમાં 49 પશુધન નિરીક્ષકોની ટિમ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં પશુઓને રસીકરણ હાથ ધરાયુ છે.
હાલ, 126 જેટલા અસર ગ્રસ્ત પશુઓ નોંધાયાં છે.પાંચ તાલુકાના પશુઓમાં આ લમ્પી વાયરસનો રોગ માલુમ પડ્યો છે.26 ગામના પશુઓમાં આ રોગ નજરે પડ્યો છે.
હાલ, 24,892 જેટલાં પશુઓને 49 પશુ ચિકિત્સકોની રાહબારીમાં કુલ રસી કરણ કરાયું છે. હાલ, 6000 જેટલાં પશુઓને આપી શકાય એટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું અને વધી રહેલા પશુઓમાં લમ્પી વાયરસને નાથવા જિલ્લા પંચાયતનું પશુપાલન શાખા કાર્ય કરી રહ્યાનું જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરે અબતકને જણાવ્યું હતું.
તેમને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કોઈપણ ગામમાં પશુઓને જો આ લમ્પી વાયરસના લક્ષણો જણાંયતો પશુપાલકો જિલ્લા પંચાયતના પશુ પાલન શાખાને જાણ કરી શકે છે. તેમને જિલ્લામાં વરસાદી પાણીથી રોગચાળો વકરે નહીં એ માટે જિલ્લાના તમામ ગામડાઓમાં ડીડીટી છંટકાવ અને ક્લોરીનેશન કામગીરી હાથ ધરવા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને કડક સૂચના આપી હોવાનું પણ જણાવ્યું હતું.
ક્યાં તાલુકામાં કેટલા પશુઓને કરાયું રસી કરણ
- કોટડા સાંગણી 640 પશુ
- ગોંડલ 560 પશુ
- જસદણ 5780 પશુ
- જામ કંડોરણા 1015 પશુ
- પડધરી 936 પશુ
- રાજકોટ 5990 પશુ
- લોધિકા 1040 પશુ
- વીંછીયા 1340 પશુ
- અન્ય 7671 પશુ
- કુલ 24,892 પશુઓને રસીકરણ