ઇકવિટી મ્યુચ્યુઅલ ફંડ 2022માં 1.36 લાખ કરોડથી વધી 1.53 લાખ કરોડ થયા
શેરબજારમાં થતી ઉથલપાથલને ધ્યાને લઈ રોકાણકારોએ તેમના નાણા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માં ડાયવર્ટ કરી રહ્યા છે ત્યારે નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં 17,000 કરોડથી વધુના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું જે અંગેની માહિતી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા દ્વારા આપવામાં આવી હતી. માર્ચ 2022 માં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 1.36 લાખ કરોડનું રોકાણ થયું હતું જે માર્ચ 2023 માં 1.53 લાખ કરોડે પહોંચ્યું છે.
ચાલુ વર્ષમાં ઈક્વિટી માર્કેટ ખૂબ વોલેટાઇલ જોવા મળ્યું હતું. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ અને સંસ્થા સાથે જોડાયેલા રોકાણકારોનું રોકાણ વધુ જોવા મળ્યું છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાનું રોકાણ કરનાર રોકાણકારો માટે આ એક સુનહેરી તક છે તેવું અમદાવાદના શેર કન્સલ્ટન્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ડિમેટ એકાઉન્ટ પણ ખુલી રહ્યા છે અને જે યુવાનો છે તે આ ક્ષેત્રમાં વધુને વધુ રોકાણ કરતા થયા છે. કોવિડ કાળમાં લોકોએ તેમની બચત વધારી દીધી છે અને તેનો ઉપયોગ હવે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં કરતા થયા છે. હજુ એક કારણ છે મ્યુચ્યુઅલ ફંડમાં જંગી રોકાણ થવા માટેનું.
રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડની જાગૃતતા માટે અને સેમીનારો યોજાઇ રહ્યા છે અને જાગૃતતા માટેના કેમ્પેઈન પણ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ભારતમાં માર્ચ મહિનામાં 14276 કરોડ રૂપિયાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે જોવા મળ્યું છે અને ચાલુ માર્ચ માસમાં 2.76 લાખ કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં નોંધાયા છે. સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારો ગુજરાત બીજુ મોટું રાજ્ય બન્યું છે.
બીજી તરફ સોનાના ભાવમાં વધારો નોંધાતા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડમાં પણ ૬ ટકાનો વધારો નોંધાયો છે ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ અમદાવાદ બજારમાં 63,000 રૂપિયાના ભાર પહોંચતા રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનું રોકાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જે લાંબા ગાળા માટે અત્યંત ફાયદારૂપ નીવડશે.