ઈજાગ્રસ્ત 6 લોકોની હાલત નાજુક: ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
મહારાષ્ટ્રના મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં એક સાત માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 46 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા. આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગ્યા બાદ 30થી વધુ લોકોને બચાવી લેવાયા છે. બચાવી લેવામાં આવેલા લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
BMCએ આ ઘટનાની જાણકારી આપી છે. દરમિયાન, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, બચાવાયેલા 6 લોકોની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગોરેગાંવમાં જી+5 બિલ્ડીંગમાં આગ લાગી તેમાં 46 લોકો દાઝી ગયા હતા. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના એક અધિકારીએ જણાવ્યું કે ગોરેગાંવ પશ્ચિમના આઝાદ નગર વિસ્તારમાં આવેલી જય ભવાની બિલ્ડિંગમાં સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગમાં ઘાયલ લોકોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર અને જુહુની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી બે સગીર અને બે મહિલા સહિત સાતને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. આઠથી વધુ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી હતી, તેવું અધિકારીએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી શકે છે અને થોડી જ વારમાં આગ આખા પાર્કિંગમાં અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આગની ઘટના સવારે 3.05 વાગ્યે બની હતી, જેના પછી તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.