વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મહિલાએ દમ તોડતા પરિવારમાં શોક
ચોટીલા તાલુકાના ગુંદા ગામે ગૃહ કલેકશના કારણે પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં સારવારમાં પરિણીતાએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના ગુંદા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા નયનાબેન રાજુભાઇ અજાડીયા નામની 39 વર્ષની પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં પરિણીતાએ ચાલુ સારવારમાં દમ તોડયો હતો.
આ અંગે ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ નયનાબેનના ઘર સંસારમાં છેલ્લા ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હોવાના કારણે પરિણીતાએ આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે. નયનાબેનના મોતના કારણે બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.