પતિની ચાલી રહેલી શાયપર ગામે સાઈટ પરથી પરત ફરતી વેળાએ સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત
શહેરમાં નવાગામમાં આવેલા છપ્પનિયા ક્વાર્ટરમાં રહેતી પરિણીતા પતિના બાઈક પાછળ બેસી શાયપર ગામથી પરત ફરી રહી હતી ત્યારે ગુંદા ગામના પાટિયા પાસે પહોંચતા પરિણીતાની સાડી બાઈકમાં ફસાતા નીચે પટકાઈ હતી ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામમાં આવેલા છપ્પનિયા ક્વાર્ટરમાં રહેતી હેતલબેન ઉમેશભાઈ ઝાલા નામની 24 વર્ષની પરિણીતા ત્રણ દિવસ પૂર્વે પોતાના પતિના બાઈક પાછળ બેસી શાયપર ગામથી રાજકોટ પરત ફરી રહી હતી. ત્યારે કુવાડવા રોડ પર ગુંદા ગામના પાટીયા પાસે પહોંચતા હેતલબેન ઝાલાની સાડીનો છેડો બાઈકમાં ફસાતા હેતલબેન ઝાલા પતિના બાઈક પરથી નીચે પટકાઈ હતી. જેમાં પરિણીતાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક હેતલબેન ઝાલાને સંતાનમાં એક ચાર વર્ષનો પુત્ર છે અને શાયપર ગામે પતિની બાંધકામની સાઈડ પરથી પરત ફરતી વખતે પતિના બાઈકમાં સાડીનો છેડો ફસાતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.કે. પાંડાવદરા સહિત સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે