- મૃતક સંજય અને કિંજલ મહેસાણાના લીંચ ગામના વતની : ત્રણ દિવસે પૂર્વે ભાગીને ગોંડલ આવ્યા’તા
અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ ન્યૂઝ :
ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ બે વર્ષના બાળક સાથે મોત મીઠું કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રેમી-પંખીડા પરણિત હોય અને સમાજ તેમના પ્રેમને સ્વીકારશે નહિ તેવા ભયથી ગોંડલ આવીને પ્રેમ પંખીડાએ મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડે ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મૂળ મહેસાણાના લીંચ ગામે રહેતા સંજય ફતાજી ઠાકોર(ઉ.વ.22)ને કિંજલ જશવંતજી ઠાકોર(ઉ.વ.22) સાથે પ્રેમ સંબંધ હતો. બંને પાત્રો પરણિત હતા. પ્રેમિકાને ધ્રુવિન નામનો બે વર્ષીય બાળક પણ હતું. સમાજ તેમના પ્રેમ સંબંધને નહિ સ્વીકારે તેવા ભયથી પ્રેમી પંખીડા બાળક ધ્રુવિન સાથે મહેસાણાથી ભાગીને ત્રણ દિવસ પૂર્વે ગોંડલ આવ્યા હતા.
મહેસાણાથી ગુમ થયાં બાદ સંજય અને કિંજલના પરીવારજનોએ મહેસાણામાં ગુમ થયાની નોંધ કરાવી બંનેની ભાળ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતો. દરમિયાન મૃતક સંજયના મોબાઈલ નંબરના લોકેશનના આધારે તેના કાકા અને મિત્રો ગોંડલના વેરી તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સંજય, કિંજલ અને માસુમ બાળક ધ્રુવિનનું શવ પાણીમાં તરતું જોઈ પરિજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મૃતક સંજય મહેસાણાની એક પેપરમિલમાં કામ કરતો હતો અને બંને છેલ્લા બે અઢી વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા હતા. પ્રેમી યુગલ ત્રણ દિવસ પૂર્વે લીંચ ગામથી ભાગીને ગોંડલ આવ્યું હતુ. જ્યાં વેરી તળાવની પાળીએ બેસીને અંતિમ ફોટો પાડ્યા બાદ મોત વ્હાલું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંજય અને કિંજલ બંને પરણિત હતા અને કિંજલને બે વર્ષનું બાળક હતું. જેને તે સાથે લઈને આવી હતી.
પ્રેમ સંબંધમાં નિર્દોષ બાળકનો ભોગ લેવાયો
મૃતક સંજય અને કિંજલ વચ્ચે છેલ્લા બે અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને લીંચ ગામેથી ભાગીને ગોંડલ આવ્યા હતા. કિંજલ પોતાના બે વર્ષીય પુત્ર ધ્રુવિનને પણ સાથે લઈને આવી હતી. પ્રેમી યુગલે બાળક સાથે તળાવમાં ઝંપલાવી આપઘાત કરતા પ્રેમ સંબંધનો તો કરુણ અંત આવ્યો જ છે પણ સાથોસાથ એક નિર્દોષ બાળકનું પણ મોત નીપજ્યું છે.
વેરી તળાવની પારીએ બેસી અંતિમ ફોટો પાડી સ્ટેટ્સમાં મૂકી મોત વ્હાલું કરી લીઘું
પ્રાપ્ત વિગત અનુસાર પ્રેમી યુગલે વેરી તળાવની પાળીએ બેસીને અંતિમ ફોટો પાડ્યો હતો. જે ફોટો સંજયે પોતાના વોટ્સઅપ સ્ટેસ્ટ મુક્યા બાદ મોત વ્હાલું કરી લીઘું હતું. વોટ્સઅપમાં મુકેલુ સ્ટેટ્સ જોઈ પરિજનોને ખ્યાલ આવ્યો હતો કે, સંજય હાલ ગોંડલમાં છે. જે બાદ સંજયના કાકા તેના મિત્રો સાથે ગોંડલ દોડી આવ્યા હતા જ્યાં સંજયનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો.