જુના ગણેશનગરનો શખ્સની ઘોડા સાથે અટકાયત કરી પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું ; રેસકોર્સ પાસે ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવતા પાંચ પકડાયા
શહેરના સોરઠીયા વાડી સર્કલના ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર ઘોડા પર બેસી લગામ પકડ્યા વગર હાથ છુટા મુકી બેફામ ઘોડો દોડાવી લોકોમાં ભય સર્જતાં ગણેશનગરના શખ્સને પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યા બાદ કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે રેસકોર્સ પાસે ધૂમ સ્ટાઇલમાં નીકળેલા પાંચ બાઈકચાલકોની પોલીસે અટકાયત કરી હતી.તહેવાર અંતર્ગત એસીપી રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા,પી.એસ.આઈ જે.ડી.પટેલ સહિતની ટીમે કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતી.જે અરસામાં સોરઠીયા વાડી સર્કલ પાસે એક શખ્સ ઘોડા પર બેસી લગામ પકડ્યા વગર રોડ પર સ્ટંટ કરતો જોવા મળતાં તેને પકડી લેવાયો હતો. પુછતાછમાં પોતાનું નામ સમીર ઇકબાલભાઇ લોદી (પઠાણ) (ઉ.વ.૨૧-રહે. જુનું ગણેશનગર, કોઠારીયા રોડ) જણાવતાં તેની સામે આઇપીસી ૩૩૬ મુજબ લોકોની શારીરિક સલામતી જોખમમાં મુકાય તે રીતે ઘોડેસ્વારી કરવા સબબ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાયું હતું.જ્યારે દિવાળીના તહેવાર અંતર્ગત લોકો મોડે સુધી બજારોમાં હોય છે. આ ઉપરાંત રેસકોર્ષ રીંગ પર પણ લોકો વધુ સંખ્યામાં નીકળી પડે છે. રવિવારે રાતે રેસકોર્ષ રીંગ પર લોકો ફરવા નીકળ્યા હોઇ અને અવર-જવર વધુ હોઇ આવા સમયે પાંચેક શખ્સો ધૂમ સ્ટાઇલથી બાઇક હંકારી કર્કશ હોર્ન વગાડીને રીંગ રોડ પર ધણધણાટી બોલાવતાં હોઇ પેટ્રોલીંગમાં નીકળેલી પ્ર.નગર પોલીસની ટીમે આવા પાંચ બાઇક ડિટેઇન કરી ચાલક સામે એમવીએકટ ૨૦૭ મુજબ કાર્યાવહી કરી હતી.