બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર પત્નીને પતિએ ન ગમતી હોવાનું કહેતા લાગી આવ્યું
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે રહેતી પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં લાગી આવતા ઝેર ગટગટાવી પુત્રને પણ પીવડાવતા માતા-પુત્રને સારવાર અર્થે અત્રે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉમરાળી ગામની ધર્મિષ્ઠાબેન રાજેશભાઇ પરમાર નામની રર વર્ષીય પરિણીતાએ કાવ્યન રાજેશભાઇ પરમાર નામના ૬ માસના બાળક સાથે ઝેર ગટગટાવતા પરિવારજનોએ ગોંડલ બાદ અત્રે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મિષ્ઠાબેન મૂળ કંડોરણા તાલુકાના ધોળીધાર ગામના વતની હોય અને બે વર્ષ પૂર્વે રાજેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન એક છ માસનો પુત્ર પણ હોય ત્યારે કોઇ કારણોસર ધર્મીષ્ઠાબેનને પતિ રાજેશ સાથે ઝઘડો થતા પતિએ તું મને હવે નથી ગમતી કહેતા લાગી આવ્યું હતું. ત્યારે આજરોજ સવારે ધર્મિષ્ઠાબેને પોતાના ઘરે ઝેર ગટગટાવી સાથે પોતાના પુત્ર કાવ્યનને પણ પીવડાવી જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારજનોને બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સમાં ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ધર્મિષ્ઠાબેનને ઇમરજન્સી વોર્ડ અને પુત્ર કાવ્યનને ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.