- અઢારેય આલમને પોતીકું લાગે તેવું વ્યકિતત્વ: સમાજ શ્રેષ્ઠી-ભામાશા 100થી વધુ સંસ્થા સાથે સંકળાયેલા છે મૌલેશભાઈ ઉકાણી
- સમાજ શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણી આજે 61 વર્ષ પૂરાં કરીને 62મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ વચ્ચેનો સંક્રાંતિકાળ ષષ્ટિપૂર્તિ સંસારથી મુક્ત થઈને આધ્યાત્મિક ઉન્નતી તરફ ગતિ કરવાનો સમય છે. પરંતુ મૌલેશભાઈ તો આ પહેલાંથી જ ધન, પદ, પ્રતિષ્ઠા અને પાવરની આસક્તિ છોડી ચુક્યા છે.
મૌલેશભાઇ હંમેશા દ્વારકાધીશને સાક્ષાત નજર સામે રાખે છે. એટલે જ જયારે બાન લેબ્સની સફળતા વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ હસીને કહી દે છે કે આ કંપનીના માલિક તો દ્વારકાધિશ છે, હું તો એમનો કર્મચારી છું. ઈશ્વરના કર્મચારી તરીકે કર્મ કરનાર માણસ કરતાં મોટો કર્મયોગી કોણ હોઇ શકે ?શ્રીકૃષ્ણની ભક્તિમાં રમમાણ પરમ વૈષ્ણવ મૌલેશભાઈનો બ્રહ્મસંબંધ દ્વારકાધિશ સાથે બંધાઈ ગયો છે.
સર્વ સમાજ માટે કૈક કરી છૂટવા સદા તત્પર રહેતા મૌલેશભાઈ અગણિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિરના શ્રી દ્વારકાધિશ મંદિર એડમિનીસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, પાટીદાર સમાજના આસ્થાસ્થાન એવા સીદસરના શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાના ટ્રસ્ટી, સરદાર ધામ, વિશ્વ પાટીદાર સેન્ટર, અમદાવાદના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ ગાંઠીલાના ટ્રસ્ટી, ઊંઝા ઉમિયા માતાજી મંદિરના કમિટી મેમ્બર, ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ, વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કીડની રીસર્ચ ઇન્સ્ટીટયુટ, રાજકોટના ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી, સરગમ ક્લબ, રાજકોટના સેક્રેટરી, ક્લબ યુવી રાજકોટના ચેરમેન, લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર કચ્છ ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સીલના ઉપપ્રમુખ, ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજ, રાજકોટના ટ્રસ્ટી,ગુજરાત સ્ટેટ રોલ બોલ બેરીંગ એસોસીએશનના પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસીએશનના પ્રેસીડન્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આરકે યુનિવર્સીટીના ગવર્નીંગ બોડી મેમ્બર, સહીત 200થી વધુ સંસ્થાઓ અને એનજીઓ સાથે મૌલેશભાઈ સંકળાયેલા છે. કોરોના કાળમાં રેશન કીટ વિતરણ હોય કે હરિદ્વારમાં ગરોબોને મફત સાયકલરીક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈના હાથમાંથી દાનની સર્વની સતત વહેતી જ રહે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવાવનું પવન કામ મૌલેશભાઈના હાથે થતું રહે છે. વિવિધ સંસ્થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય, મૌલેશભાઈ છુટ્ટા હાથે સહાય આપતા રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાફૂલ રહ્યા છે.
બીજાના દુ:ખે દુ:ખી થઇ જાય એટલા સહૃદય મૌલેશભાઇ સેવાના કામ કરતી વખતે નિરાભિમાનપણું જાળવી રાખે છે અને તેમના કર્મફળ દ્વારકાધિશને અર્પણ કરી દે છે.માત્ર પાટીદાર સમાજ જ નહીં, તમામ સમાજ અને ક્ષેત્રોમાં મૌલેશભાઈની સેવા અને દાનની સરવાણી વહેતી જ રહે છે. બધા સમાજને પોતાના માનતા મૌલેશભાઈ એટલે જ તમામને પોતીકા લાગે છે. સંબંધો નિભાવવાની તેમની કળા એવી અદ્ભૂત છે કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાનો માણસ તેમને પોતાના અંગત માને છે. અજાત શત્રુ મૌલેશભાઈ પ્રેમના માણસ છે, સ્નેહના માણસ છે.
મૌલેશભાઇ એવી વ્યક્તિ છે જેને મળતા જ સામેવાળો ખુશ થઇ જાય, ફ્રેશ થઇ જાય. ગમે ત્યારે મળો, તેમના મોં પર પહોળું સ્મિત હોય, ચહેરા પર આનંદ છલકતો હોય, અવાજમાં ઉષ્મા અનુભવાતી હોય, અંગ અંગમાંથી ઉર્જા નિતરતી હોય, હૈયામાંથી હુંફ ઉમટતી હોય, આંખમાં ચમક હોય અને પરમ શાંતિનું આભામંડળ હોય. મૌલેશભાઇને કયારેય કોઇએ નિસ્તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, આનંદ અને ઉત્સાહ તેમના સ્થાયીભાવ છે, શાંતિ તેમનો સ્વભાવ છે. તે પોતાના ભાવમાં જ સ્થિર રહે છે, તેમાંથી તેમને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઇ મનુષ્ય. તેમનું હાસ્ય કોઇ છીનવી શકતું નથી, તેમની ખૂશી કોઇ ખૂંચવી શકતું નથી.