પ્રેમી યુગલની વ્હારે આવતી હાઇકોર્ટ
દુષ્કર્મ પિડીતા પ્રેમીની પત્ની બનશે: બળાત્કારની સુનાવણી કાયદાની જોગવાય મુજબ ચાલશે: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
બળાત્કારના નોંધાતા ગુનામાં કેટલાક બનાવમાં પિડીતાની સહમતી હોવા છતાં કાયદાકીય જોગવાઇના કારણે પિડીતા સગીર હોવાના કારણે તેના પ્રેમી સામે બળાત્કારનો ગુનો નોંધાતો હોય છે અને લાંબો સમય સુધી જેલવાસ ભોગવવો પડતો હોય છે. આવા જ એક રાજકોટના બળાત્કાર કેસમાં જેલ હવાલે થયેલા શખ્સને પિડીતા સાથે બે માસમાં લગ્ન કરવાના આદેશ સાથે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે અને બળાત્કારના કેસની સુનાવણી રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા નિયમ મુજબ આગળ ચલાવવાનો આદેશ કર્યો છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ બળાત્કારના ગુનામાં જેલ હવાલે થયેલા રાજકોટના ચિરાગ મારડીયાએ જામીન પર છુટવા માટે હાઇકોર્ટમાં કરેલી અરજી અંગે હાઇકોર્ટ જસ્ટીશે જેલવાસ ભોગવી રહેલા ૨૩ વર્ષના યુવકને બે માસમાં લગ્ન કરવાની શરત સાથે જામીન મુક્ત કર્યો છે.
ચિરાગ મારડીયા સામે ૨૦૧૯ના ડિસેમ્બર માસમાં અપહરણ, બળાત્કાર અંગેનો ગુનો નોંધાયો હતો. પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ રાજકોટની સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવતા તેને હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.
ચિરાગ મારડીયાએ બળાત્કારનો ભોગ બનનાર પિડીતા પોતાની પ્રેમીકા હોવાનું બંને પોતાની મરજી મુજબ ભાગી ગયા હતા ત્યારે પિડીતાની ઉમર ૧૭ વર્ષ અને ૯ માસ હતા. પિડીતાએ બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવવા માગતી ન હોવાનું તેણીએ જેલવાસ ભોગવી રહેલા ચિરાગ મારડીયા સાથે લગ્ન કરવા ઇચ્છુક હોવાનું હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યુ હતો. સાથે સાથે ચિરાગ મારડીયાએ પણ પિડીતાને પત્ની તરીકે સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલ પિડીતા પુખ્ત વય હોવાથી તેના સોંગદનામાને માન્ય ગણી જામીન પર છુટવા અરજીમાં જણાવ્યું હતું.
ચિરાગ મારડીયા સામે બળાત્કારનો ગુનો નોંધાયો ત્યારે તેણી નાબાલિક હોવાથી ગુનો નોંધાયો છે. પિડીતા ઉપરાંત તેના પરિવારે પણ ચિરાગ મારડીયા સાથે લગ્ન કરવા સહમતી આપ્યાનું હાઇકોર્ટમાં લેખિત રજૂઆત કરી હતી.
હાઇકોર્ટ દ્વારા ચિરાગ મારડીયાને બે માસની અંદર પિડીતા સાથે લગ્ન કરી પત્ની તરીકે સ્વીકારવાનું હુકમ કર્યો છે આમ કરવામાં ચિરાગ મારડીયા નિષ્ફળ જશે તો તેને ફરી જેલ હવાલે કરવા હુકમ કર્યો છે સાથે સાથે બળાત્કારના ગુનાના કેસની સુનાવણી દરમિયાન જામીન મુક્તિના હુકમની પ્રભાવિત થયા વિના ટ્રાયલ કોર્ટ દ્વારા સુનાવણી ચલાવવા આદેશ કર્યો છે.