જળ, જમીન અને જોરુ કજયાના છોરુ ઉક્તિ પોરબંદરના છાયા વિસ્તારમાં કુરણ રીતે સાર્થક બની છે. મેર યુવાનની પત્નીને રાજકોટના પટેલ શખ્સ ભગાડી ગયા બાદ બંને વચ્ચે ચાલતા ઝઘડાના કારણે એક સપ્તાહ પૂર્વે મેર યુવાનને ધમકી દીધા બાદ ગતરાતે માથામાં બોથડ પર્દાથ મારી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. વૃધ્ધ દંપતીના એકના એક પુત્રની થયેલી હત્યાના કારણે મૃતકના માતા-પિતાએ કરેલા કરુણ આક્રંદથી ગમગનીની છવાઇ ગઇ છે. પોલીસે રાજકોટના પટેલ શખ્સને હત્યા અંગે શકમંદ ગણી શોધખોળ હાથધરી છે.
રેલનગરના નીતિન પટેલ અજાણ્યા શખ્સ સાથે પોરબંદર આવી માથામાં બોથડ પર્દાથ મારી ઢીમ ઢાળી દીધાની મૃતકના પિતાએ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને અમુલના દુધનો ધંધો કરતા રાજુ જેસાભાઇ ઓડેદરા નામના 35 વર્ષના પટેલ યુવાનની હત્યા થયાની અને તેના ખૂનના ગુનામાં રાજકોટના રેલનગર વિસ્તારના નિતિન પટેલ નામના શખ્સની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ જેસાભાઇ નોંધણભાઇ ઓડેદરાએ કમલા બાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુ ઓડેદરા સવારે સમયસર જાગ્યો ન હોવાથી તેના પિતા જેસાભાઇ ઓડેદરાએ તેના મકાનમાં જઇ તપાસ કરતા તે લોહી લુહાણ હાલતમાં પડયો હોવાથી પોલીસમાં જાણ કરી હતી. કમલા બાગ પોલીસ મથકના પી.આઇ. વી.પી.પરમાર સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન તેના માથામાં બોથડ પર્દાથ મારી હત્યા કરાયાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસી જેસાભાઇ નોંધણભાઇ ઓડેદરાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે.
મૃતક રાજુ ઓડેદરાના પ્રથમ લગ્ન પંદર વર્ષ પહેલાં નિતાબેન બાપોદરા સાથે થયા હતા. બંને વચ્ચે મનદુ:ખ થતા બંનેએ છુટાછેડા લીધા બાદ પોતાના જ વિસ્તારની કલ્પના ઉર્ફે કપુ ઉર્ફે કૃપાલી લોહાણા સાથે આઠેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીને સાત વર્ષની પુત્રી કીંજલ છે. કુપાલી ઉર્ફે કપુ રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા નિતિન પટેલના પરિચયમાં આવતા બંને વચ્ચે આઠેક માસ પહેલાં પ્રેમ સંબંધ બંધાતા કૃપાલી ઉર્ફે કપુ પોતાની સાત વર્ષની પુત્રી કીંજલ સાથે રાજકોટ નિતિન પટેલ સાથે રહેવા જતી રહી હતી. આઠેક દિવસ પહેલાં રાજુ ઓડેદરા સમાધાન કરી ફરી પોરબંદર લાવ્યો હતો પરંતુ ફરી પાછી નિતિન પટેલ સાથે ભાગી ગઇ હતી ત્યારે નિતિન પટેલે પોતાના પુત્ર રાજુ ઓડેદરાને હત્યા કરવાની ધમકી દીધી હતી.
આથી રાજુ ઓડેદરાએ કમલા બાગ પોલીસ મથકમાં હત્યાની ધમકી અંગે જાણ કરી હતી પરંતુ પોલીસે આ અંગે ગંભીરતા દાખવી ન હોવાથી નિતિન પટેલે પોતાના પુત્ર રાજુની હત્યા કર્યાનો જેસાભઆઇ ઓડેદરાએ આક્ષેપ કર્યો છે.
કમલા બાગ પોલીસ મથકના પી.આઇ. વી.પી.પરમારે રાજુની હત્યા અંગે શકદાર તરીકે નિતિન પટેલ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.