સૌરાષ્ટ્ર ભરમાં ગાંજા સપ્લાય નેટવર્કનું પગેરૂ રાજકોટ
કિટ્ટીપરાના શખ્સે ડિલિવરી આપ્યાની કબુલાત: જૂનાગઢમાં સાધુ-બાવાને છુટક વેચાણ કર્યુ
યુવા પેઢીને બરબાદ કરતા ગાંજા અને ચરસના સૌરાષ્ટ્રભરમાં સપ્લાય માટેનું નેટવર્ક રાજકોટ બન્યું હોય તેમ જૂનાગઢમાં પકડાયેલા સવા ત્રણ કિલો ગાંજાનું પગેરૂ રાજકોટ નીકળ્યું છે. રાજકોટમાં લોક ડાઉન દરમિયાન તમાકુ મળવી મુશ્કેલ હતી ત્યારે જંગલેશ્વરમાંથી હેરોઇન સાથે નામચીન મહિલા સહિત ત્રણને એસઓજી સ્ટાફે ધરપકડ કરી રાજસ્થાનના સપ્લાયરની ધરપકડ કરી છે. રાજકોટમાં અવાર નવાર ગાંજો, ચરસ અને હેરોઇન જેવા માદક પદાર્થો વેચનાર શખ્સોને ઝડપી લેવામાં આવે છે તેમ છતાં નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સો સમગ્ર સૌરાષ્ટ્રમાં નેટવર્ક ધરાવતા હોય તેમ જૂનાગઢના શખ્સને સવા ત્રણ કિલો ગાંજા સાથે જૂનાગઢ એસઓજીએ ઝડપી લીધો છે.
જૂનાગઢના ટેલિફોન એકસચેન્જ પાસે વાલ્મીકીવાસમાં રહેતા ભરત ઉર્ફે પુરાના વાલજી બગડા નામના શખ્સને ગઇકાલે સાંજે મજેવડી ગેઇટથી ભવનાથ તરફ જતા માર્ગ પર જેલવાડીના ખૂણા પાસેથી જૂનાગઢ એસઓજી પી.એસ.આઇ. જે.એમ.વાળા, હેડ કોન્સ્ટેબલ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, એસ.કે.બારીયા, મહેન્દ્રભાઇ, અનિરૂધ્ધસિંહ અને મજીદખાન પઠાણ સહિતના સ્ટાફે રૂા.૩૨,૫૭૦ની કિંમતના ૩.૨૫૭ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. ભરત ઉફેઈ પુરાના બગડાની પૂછપરછ દરમિયાન રાજકોટના કિટીપરામાં રહેતા મફેઝ ઉર્ફે મામા નામના શખ્સ પાસેથી લાવ્યાની અને મફેઝ ઉર્ફે મામાએ રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ડીલીવરી આપી હોવાની કબુલાત આપી છે. એસ.ઓ.જી. સ્ટાફે ભરત બગડા પાસેથી રૂા.૩૫ હજારની કિંમતનું જી.જે.૧૧સીબી. ૮૫૩૫ નંબરનું એક્ટિવા કબ્જે કર્યુ છે. જૂનાગઢમાં સાધુ-બાવા ગાંજાનો નશો વધુ કરતા હોવાથી રાજકોટના મફેઝ ઉર્ફે મામા પાસેથી ગાંજો લાવી છુટક વેચાણ કરતો હોવાની કબુલાતના આધારે જૂનાગઢ એસ.ઓ.જી.સ્ટાફે રાજકોટના કીટીપરા વિસ્તારના મફેઝ ઉર્ફે મામાની સામે પણ એનડીપીએસનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ પહેલાં જામનગર પોલીસે ગાંજા અંગે એક ઝડપાયો ત્યારે રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં પગેરૂ નીકળ્યું હતુ અને નામચીન મહિલા ગાંજાના મોટા જથ્થા સાથે ધરપકડ કરી નશીલા પર્દાથના મુળ સુધી પહોચવા રાજકોટ પોલીસે કવાયત હાથધરતા ગાંજો ઓરિસ્સાથી આવતો હોવાનું ટ્રેનમાં સુરત સુધી પહોચતો કરી સુરત રેલવે સ્ટેશનથી થોડે દુર સપ્લાયર ગાંજાનું પાર્સલ ફેકી દીધા બાદ સુરતના શખ્સો રાજકોટમાં ગાંજો પહોચતો કરતાનું બહાર આવ્યું હોવાથી ઓરિસ્સા તરફ ગાંજાનું પગેરૂ નીકળ્યા બાદ ઓરિસ્સાના શખ્સો ચાલુ ટ્રેને ગાંજાનું પાર્સલ ફેંકીને ડીલીવરી કરતા હોવાથી તપાસ આગળ વધી ન હતી.
તાજેતરમાં જ લોક ડાઉન દરમિયાન જંગલેશ્વરની નામચીન મહિલા ચનુડી અને રૂખડીયાના મુસ્લિમ દંપત્તી હેરોઇન સાથે ઝડપાયા બાદ તેને હેરોઇનનો જથ્થો રાજસ્થાનથી આવ્યાનું બહાર આવ્યું છે.
રાજકોટમાં જંગલેશ્વર, કિટીપરા, નાના મવા રોડ પર, જામનગર રોડ સ્લમ કવાર્ટર સહિતના વિસ્તારમાં ગાંજો, ચરસ અને હેરોઇનનું છુટક વેચાણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સપ્લાય થતી હોવાનું અવાર નવાર બહાર આવ્યું છે. પરંતુ ગાંજો, ચરસ અને હેરોઇન જેવા નશીલા પદાર્થ અંગેના કેસ કરવા પોલીસ માટે કાયદાકીય અનેક જોગવાય આટીઘૂટી અને જટીલ હોવાથી પોલીસ એનડીપીએસના કેસ ઓછા કરતા હોવાથી જ માદક પદાર્થનું વેચાણ કરતા શખ્સો વધુને વધુ બેફામ બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
જૂનાગઢમાં સવા ત્રણ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ભરત બગડાને ગાંજાની સપ્લાય કરનાર મફેઝ ઉર્ફે મામા ઝડપાયા બાદ જ તે ગાંજો કયાંથી લાવે છે અને જૂનાગઢ સિવાય અન્ય કયાં કયાં વેચાણ કર્યુ તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
એનડીપીએસનો કેસ કરવો પોલીસ માટે માથાનો દુ:ખાવો
ચરસ, ગાંજો, હેરોઇન, બ્રાઉનસ્યુગર જેવા માદક પદાર્થ અંગેના કેસ કરતા પૂર્વે કાયદાકીય કેટલીક જોગવાય અનુસરવી પડતી હોવાથી પોલીસ માટે માથાનો દુ:ખાવો બની જતો હોય છે. માદક પર્દાથની બાતમી મળે ત્યારથી આરોપીને પકડે ત્યાં સુધીનો સમગ્ર સમયનો ઘટના ક્રમની સાથે એફએસએલ, બે પંચ અને વજન કરનાર સોની વેપારી સહિતનું ટાઇમીંગ યોગ્ય રીતે ગોઠવવાની કાર્યવાહી લાંબા અને જટીલ હોવાથી પોલીસ સ્ટાફ એનડીપીએસના કેસ કરવાનું માંડી વાળતા હોય છે.
સોના કરતા હેરોઇન અને બ્રાઉન સ્યુગરની કિંમત વધુ!
યુવા પેઢીને બરબાદ કરતા માદક પદાર્થના વેચાણ કરતા શખ્સો સામે એનડીપીએસમાં કેટલીક કડક જોગવાય બનાવી છે. પરંતુ કેસ કરવા માટે પોલીસે કાયદાકીય જોગવાઇ અને આટીઘુટીનું સારી રીતે જાણકારી જરૂરી છે. બ્રાઉન સ્યુગર અને હેરોઇન પકડાય ત્યારે તેની કિંમત સોનાની જેમ આંતર રાષ્ટ્રીય કિંમત મુજબ આંકવામાં આવે છે. સોનાનો વજન મીલીગ્રામમાં થાય તેમ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનો વજન પણ મીલીગ્રામમાં થતું હોય છે. આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નેટવર્કને ભેદવા માટે દેશમાં નાકોર્ટીક સેલની રચના કરવામાં આવી છે આ ઉપરાંત એટીએસ દ્વારા પણ અવાર નવાર ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવે છે.
જખૌ પાસેથી વધુ ૩૦ લાખનું ચરસ મળ્યું
અગિયાર દિવસમાં જખૌ વિસ્તારમાંથી ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો
કચ્છના જખૌ વિસ્તારમાં છેલ્લા અગિયારેક દિવસમાં ત્રણ વખત ચરસનાં પેકેટ મળી આવ્યા છે. લકકીથી રવિન્દ્રા કેમ્પની વચ્ચે કાદવમાંથી રૂા.૩૦ લાખના ૧૯ ચરસના પેકેટ મળી આવ્યા હતા. ચરસના જથ્થાને કોટેશ્ર્વર જેટી પર ઈન્ટેલીજન્સની ટીમ લઈ આવી તમામ જથ્થો પોલીસને સોપી દેવાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છના જખો વિસ્તારમાં અવાર નવાર ચરસના જથ્થાઓ મળી આવવાની ઘટના થતી હોય છે. ત્યારે ગઈકાલે પણ લકકીથી રવિન્દ્ર કેમ્પ વચ્ચેથી ઈન્ટેલીજન્સ ટીમને વધુ રૂા.૩૦ લાખની કિંમતના ૧૯ ચરસના પેકેટ મળી આવ્યા હતા.
હજુ ગત ૨૦મી મેના રોજ પશ્ર્ચિમ કચ્છ એસઓજીની ટીમને શેરખણ પીરની દરગાહ પાસેથી રૂા.૨૪ લાખની કિમંતના ૧૬ પેકેટ મળી આવ્યા હતા. જેના અગિયાર દિવસમાં આજ વિસ્તારમાંથી ઈન્ટેલીજન્સની ટીમને ત્રીજી વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે.
સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છ ક્રિકમાં લકકીથી રવિન્દ્ર કેમ્પ વચ્ચે મળી આવેલા રૂા.૩૦લાખની કિમંતના ૧૯ ચરસના પેકેટ મળી આવતા ચરસના જથ્થાને કોટેશ્ર્વર જેટી પર નેવી ઈન્ટેલીજન્સ ટીમ લઈ આવી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.કચ્છના જખૌ વિસ્તારમાં અવાર નવાર કરોડો રૂપીયાના ચરસ અને ડ્રગ્સ મળી આવે છે. પૂર્વ રાજયોમાં અને દેશમાં ચરસ અને ડ્રગ્સના જથ્થાના ફેલાવા માટે કચ્છના જખૌ વિસ્તારનું આંતરરાષ્ટ્રીય જળસીમા ચરસ અને ડ્રગ્સની હેરાફેરી માટે એપી સેન્ટરબની રહ્યું છે.