ગંગા મૈયામાં જબ તક કે પાની રહે… ગંગાને પવિત્ર અને મોક્ષ આપનારી લોકમાતા કહેવામાં આવે છે. મોક્ષ પામવાની લ્હાયમાં ગંગાની પવિત્રતા, માણસોના પાપ ધોવાનું નિમીત બની ગઈ હોય તેમ રામ તેરી ગંગા મેલી… શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાની અણસમજણ ધર્મ, સમાજ અને પ્રકૃતિની ઘોર ખોદનારી બની રહે છે. માનવીની કર્મફળ અને મોક્ષ પ્રાપ્તિ માટેની શ્રદ્ધા જો અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય તો મોટા અનર્થ સર્જાય છે. છેલ્લા કેટલાંય દિવસોથી ગંગા અને યમુના નદીમાં મૃતદેહો તરતા મુકી દેવાની ઘટનાએ ભારે ચકચાર સર્જયો છે. કોરોનાના આ કપરા સમયમાં જ્યાં દર્દીઓથી લઈ કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર સુધી ભારે તકેદારી રાખવાની હોય છે ત્યારે કોરોનામાં મૃત્યુ પામનાર સ્વજનોને અંધશ્રદ્ધામાં ગંગામાં તરતા મુકી દેવાની પરિસ્થિતિ ભારે ચિંતાનું કારણ બની ગઈ છે.
કેન્દ્ર સરકારે મંગળવારે મૃતદેહો તરતા મુકવાની ઘટનાઓને કાબુમાં લેવા આકરા નિયંત્રણોની હિમાયત કરી છે. સરકારે જિલ્લા ગંગા સમીતીને એક પત્ર પાઠવી સ્વચ્છ ગંગા અભિયાન સમીતીના અધ્યક્ષ જિલ્લા કલેકટરોને સંબંધીત જવાબદારોને અંતિમ સંસ્કારના બહાને મૃતદેહો ગંગામાં પધરાવી દેવાની પ્રવૃતિ અને ખાસ કરીને કોરોનાના મૃતકોના મૃતદેહોના નિકાલ માટેની ગાઈડ લાઈનનું પાલન કરવા અને એકપણ મૃતદેહો ગંગામાં તરતા ન મુકી દેવાય તેવી વ્યવસ્થાની સતત તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાંક સમયથી ગંગામાં મૃતદેહો તરતા મુકી દેવાના કારણે ગંગાનો વિશાળ જલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પ્રદુષણની સાથે સાથે મહામારીનો મોટો ભય ઉભો થયો છે. ગંગાની પવિત્રતા, પર્યાવરણનું પ્રદુષણ અને આરોગ્ય ઉપર મોટુ જોખમ ઉભુ થયું હોવાનું એનએમસીજીના મહાનિર્દેશક રાજીવ રંજન મિશ્રાએ સમીતીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું. ગંગા, યમુના જેવી મહા નદીઓના જળ પ્રદુષણનો મુદ્દો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. વડાપ્રધાન મોદીએ વારાણસીથી પોતાની ઉમેદવારી અને ગંગા શુદ્ધિકરણ અભિયાનના શ્રીગણેશ કરાવીને ગંગાને સ્વચ્છ બનાવવાનું મહત્વ સમજાવ્યું હતું. ગંગા અને યમુનામાં મૃતદેહો પધરાવવાની આ પરંપરામાં બિહાર, ઉત્તરપ્રદેશ સરકારોને કેન્દ્રએ આ મુદ્દે વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરી છે. બિહાર સરકારે દાવો કર્યો છે કે, 24 કલાકમાં બકસર જિલ્લામાં તરતા 71 મૃતદેહો બહાર કાઢીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને મોટાભાગના મૃતદેહો કોરોના સંક્રમીત હોવાનું જણાવ્યું હતું. આ બધાય મૃતદેહો ઉત્તરપ્રદેશમાંથી તરતા આવ્યા હોવાનું કહ્યું હતું.
બિહાર સરકારે પણ ગંગામાંથી મૃતદેહો બહાર કાઢીને પોસમોર્ટમ કરાવતા આ મૃતદેહો 4 થી 5 દિવસ પહેલાના હોવાનો રિપોર્ટ આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિષકુમારે ગંગાની પવિત્રતા પર જોખમ ઉભુ કરાવનારી આ પ્રથા અંગે દુ:ખ વ્યકત કર્યું હતું. સોમવારે હમીરપુર જિલ્લાના લોકોએ યમુનામાં કોરોનાના મૃતકોની અંતિમવિધિ કરી નાખી હતી જે પ્રશાસને બહાર કાઢીને તેનો નિકાલ કર્યો હતો. ગંગા શુદ્ધિકરણના પ્રોજેકટ માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવીને ગંગાને શુદ્ધિ કરવાનું અભિયાન ચલાવ્યું છે. મૃતદેહોની અંતિમ વિધિની પરંપરા અત્યારે કોરોનાના કપરાકાળમાં ગંગાને વધુ જોખમમાં મુકી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મહાનદીઓમાં મૃતદેહના અંતિમ સંસ્કારની પ્રથા નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારને તાકીદ કરી છે.