- ઇન્ડિયા એઆઈ મિશનને કેબિનેટે લગાવી મંજૂરીની મ્હોર
- એઆઈનો વ્યાપ વધારવા 5 વર્ષમાં સરકાર રૂ. 10 હજાર કરોડથી વધુનો ખર્ચ કરશે : 10 હજાર ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ જાહેર અને ખાનગી ભાગીદારી દ્વારા ઉપલબ્ધ કરાશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં વૈશ્વિક સ્તરે ભારતની તાકાત વધારવા અને દેશમાં ‘એઆઈને સામાન્ય માણસ સુધી લઈ જવા’ના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી છે. આ માટે 10,372 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. તેનાથી દેશમાં કોમ્પ્યુટિંગ ક્ષમતામાં મોટા પાયે વધારો થશે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું, ‘ઉચ્ચ સ્તરની એઆઈ ઇકોસિસ્ટમ બનાવવા માટે જરૂરી કમ્પ્યુટિંગ ક્ષમતાના સ્તર માટે, લગભગ 10 હજાર ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એઆઈ સુપર કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ ઈન્ડિયા એઆઈ મિશન દ્વારા ઉદ્યોગની સાથે ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે એઆઈ માર્કેટપ્લેસ પણ તૈયાર કરવામાં આવશે.
અંડરગ્રેજ્યુએટ અને પીએચડી સ્તર સુધીના પ્રોગ્રામ્સ વિકસાવાશે
પિયુષ ગોયેલે ગણાવ્યું કે આ મિશન હેઠળ કૌશલ્ય વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવશે. અંડરગ્રેજ્યુએટ અને પીએચડી સ્તર સુધીના પ્રોગ્રામ્સ વિકસાવવામાં આવશે. ટાયર 2 અને 3 શહેરોમાં ફાઉન્ડેશન કોર્સ પૂરા પાડવા માટે ડેટા અને એઆઈ લેબ બનાવવામાં આવશે.
સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં ધિરાણ પણ મળશે
આ મિશન દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં ધિરાણ પણ મળશે. પિયુષ ગોયલે કહ્યું કે આ મિશન હેઠળ એઆઈને જવાબદાર રીતે વિકસાવવા અને અપનાવવા પર ભાર મૂકવામાં આવશે. આ ક્ષેત્રમાં જે સ્ટાર્ટઅપ આવશે તેને પૂરતી મદદ પણ કરવામાં આવશે.
સરકારી વિભાગોની મદદ માટે નેશનલ ડેટા મેનેજમેન્ટ ઓફિસ બનાવાશે
એઆઈનો ઉપયોગ તમામ વિભાગો કરી શકે તે માટે એક નેશનલ ડેટા મેનેજમેન્ટ ઓફિસ બનાવવામાં આવશે, જે સરકારી વિભાગો સાથે કામ કરશે તે જોવા માટે કે કેવી રીતે એઆઈ વિકાસ માટે બિન-વ્યક્તિગત ડેટા ઉપલબ્ધ કરાવી શકાય. ગોયલે કહ્યું, ‘ગત વર્ષે ડિસેમ્બરમાં પીએમએ આ મિશનનું વિઝન રજૂ કર્યું હતું. એઆઈ સંશોધકોને વધુ સુવિધા આપવા, એઆઈને મોટા પાયે અપનાવવા અને કૌશલ્ય વિકાસ માટે આ મિશનમાં ઘણા પાસાઓ ઉમેરવામાં આવ્યા છે.
ટેક્નોલોજી અને ઈનોવેશન માટે ઐતિહાસિક દિવસ : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયા એઆઈ મિશન’ને સરકારની મંજૂરીને ટેક્નોલોજી અને ઈનોવેશન માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું, ‘ટેક્નોલોજી અને ઈનોવેશન માટે ઐતિહાસિક દિવસ! ઈન્ડિયા એઆઈ મિશન માટે કેબિનેટની મંજૂરી એઆઈ સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવશે અને કોમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઍક્સેસને વિસ્તૃત કરશે, જે એઆઈ ઈનોવેશનમાં વૈશ્વિક નેતા બનવા તરફની અમારી સફરમાં એક મોટી છલાંગ હશે.’