- ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં હતું, જે જુલિયનથી માત્ર 4 કિલોમીટર દૂર નોંધાયું: હાલ કોઈ જાનહાનીના સમાચાર નહિ
દક્ષિણ કેલિફોર્નિયામાં 5.2 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા દોડધામ મચી ગઈ હતી, જેના કારણે સાન ડિએગોમાં પહાડ પરથી ખડકો નીચે પડી ગયા અને રસ્તાઓ પર આવી ગયા. ઘરોના કબાટમાં રાખેલી વસ્તુઓ પડવા લાગી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. યુએસ જીઓલોજિકલ સર્વે પ્રમાણે, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 10:08 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં હતું, જે જુલિયનથી માત્ર થોડા માઇલ (4 કિલોમીટર) દૂર છે. જુલિયન લગભગ 1,500 લોકોનું પર્વતીય શહેર છે, જે તેની સફરજન પાઇની દુકાનો માટે જાણીતું છે.
ભૂકંપની અસર લગભગ 120 માઇલ (193 કિલોમીટર) દૂર લોસ એન્જલસ કાઉન્ટી સુધી અનુભવાઈ હતી. ભૂકંપ પછી અનેક નાના આંચકા અનુભવાયા હતા. “મને લાગ્યું હતું કે બારીઓ ખૂબ ધ્રુજતી હોવાથી તૂટી જશે, પણ તૂટી નહીં,” 1870ના દાયકાથી જુલિયનમાં કાર્યરત સોનાની ખાણના માલિક પોલ નેલ્સને કહ્યું કે વાઇબ્રેશનને કારણે કાઉન્ટર પર રાખેલા ફોટો ફ્રેમ નીચે પડી ગઇ હતી. પરિવહન અધિકારીઓએ ચેતવણી જારી કરી છે કે પ્રવાસીઓએ ટેકરીઓ પરથી રસ્તાઓ અને હાઇવે પર પડતા પથ્થરોથી સાવધ રહેવું જોઈએ. જુલિયનના ઉત્તરપશ્ચિમમાં સ્ટેટ રૂટ 76 પર પર્વતો પરથી પથ્થરો પણ નીચે આવી ગયા છે.સાન ડિએગો કાઉન્ટીમાં કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના કેપ્ટન થોમસ શૂટ્સે જણાવ્યું હતું કે જ્યારે જમીન ધ્રુજવા લાગી ત્યારે સાવચેતી તરીકે શાળાના બાળકોને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેને કંપનનો સંકેત મળ્યો અને પછી તેને વસ્તુઓ ગબડતી અને અથડાતી અનુભવાઈ. તેમણે કહ્યું, ’ચારે બાજુ ખૂબ જ હંગામો અને અરાજકતા હતી.’ પરંતુ સદનસીબે વસ્તુઓ ટૂંક સમયમાં સામાન્ય થઈ ગઈ. સાન ડિએગો કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે તેમને જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી.