- રાતે 2:25 કલાકે આંચકો આવ્યો, ગુવાહાટી,શિલોંગ અને આસામના અન્ય ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા: કોઈ જાનહાની નહી
આજે ગુરુવારે વહેલી સવારે ઉત્તરપૂર્વ ભારતના આસામના મોરીગાંવ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવતા ખળભળાટ મચી ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.0 માપવામાં આવી હતી. ગુવાહાટી અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે 2.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 16 કિલોમીટર હતી. માત્ર મોરીગાંવ જ નહીં, ગુવાહાટી, શિલોંગ અને આસામના અન્ય ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ડરી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. જોકે, આના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જાન્યુઆરીની શરૂઆતમાં, આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા હળવા હોવા છતાં, લોકો ગભરાઈ ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમાર હતું અને તેની ઊંડાઈ 106 કિલોમીટર હતી.અમરેલીના ખાંભામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 7.33 કલાકે 2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા આંચકાની પુષ્ટિ કરવામાં આવી હતી.