- બજુડ ગામના પાટીયા પાસે જાનની લક્ઝરી બસ સળગી ઊઠી
- નગરપાલિકાની ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ
- સદનસીબે જાનહાનિ નહીં
શિહોર: ભગનગર જિલ્લામાં જ એક અન્ય બસ દુર્ઘટના સર્જાઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. જો કે આ ઘટનાથી ખુશીના પ્રસંગમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. અહીં ભાવનગરમાં જાનૈયાઓની બસમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઇ હતી. ભાવનગરની નારી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ ભભૂકી ઉઠતાં લોકો જીવ બચાવવા માટે બારીથી કૂદ્યા હતા. ગારિયાધારના ઘોબા ગામે જાનૈયાઓને લઈને બસ જઇ રહી હતી. સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં ઓચિંતા આગ લાગી હતી. બસમાં આગ લાગતા તમામ જાનૈયાઓએ ઈમરજંસી બારીમાંથી નીચે કૂદ્યા હતાં. બસમાં આગ લાગતા લાખો રૂપિયા રોકડ બળીને ખાક થયા છે. અને બે તોલા સોનું બળીને પણ ખાક થઇ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.
આજનો સોમવાર ભાવનગર માટે ભારે હોય એમ બે દુર્ઘટના સામે આવી છે. પહેલી ઘટના જિલ્લાના સિહોર પાસેથી સામે આવી છે. જ્યાં જાનૈયાઓની બસમાં અચાનક આગ ભભૂકી છે. જ્યારે બીજી ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી છે. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ મિક્સર ટ્રક પોચી જમીનમાં ફસાતા બે લોકો દબાયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
પહેલી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બજુડ ગામમાં આજે સવારે પટેલ પરિવારના લગ્નપ્રસંગે ગારિયાધાર જવા માટે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના પાદરમાં ઊભેલી બસમાં જાનૈયાઓ બેસવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન બસના એન્જિનમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. સદનસીબે, સમયસૂચકતા દાખવીને તમામ જાનૈયાઓ બસમાંથી સલામત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
જાનૈયાઓનો બચાવ, બસ બળીને ખાખ ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સોનગઢ પોલીસ સ્ટેશનના PSI સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી આપી હતી, જેથી લગ્નપ્રસંગમાં કોઈ વિક્ષેપ ન પડે.
અહેવાલ: આનંદ રાણા