પ્રથમ વખત ટી20માં બંને ટીમોએ 4-4 સ્પિનરો રમાડ્યા !!!
લખનઉ ખાતે રમાયેલી ટી20 લો સ્કોરિંગ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને છ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 1 ફેબ્રુઆરી બુધવારના રોજ અમદાવાદ ખાતે રમાશે. એટલુંજ નહીં ટી20 મેચના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના ઘટી હતી જેમાં બંને ટીમોએ 4-4 સ્પિનરોને રમાડ્યા હતા.
ભારતે ટી-20 સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતી ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય સ્પિનરો સામે તેની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી. 20 ઓવરમાં ટીમ 8 વિકેટે 99 રન જ બનાવી શકી હતી. ભારતીય બેટ્સમેનો પણ સ્પિન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમે 20મી ઓવરમાં 100 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જીત સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા પણ બાઉન્ડરી ફટકારવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
ભારતીય સ્પિનરોમાં યુઝવેન્દ્ર ચહલે 1 વિકેટ, દીપક હુડાએ 1 વિકેટ વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ અને કુલદીપ યાદવે પણ 1 વિકેટ ઝડપી હતી. એટલે કહી શકાય કે સ્પિનરો દવારા ફેંકવામાં આવેલી 13 ઓવરમાં 55 રન આપીને 4 વિકેટ લીધી. કેપ્ટન મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડ માટે અણનમ 19 રન સાથે સૌથી વધુ સ્કોર કર્યો હતો.બેટ્સમેન ખુલીને રમી શક્યા ન હતા. સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર વચ્ચે 20 રનની ભાગીદારી થઈ હતી.
સંકલનના અભાવે સુંદર 10 રનઆઉટ થયો હતો. ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં 18 રનની જરૂર હતી ત્યારે હાર્દિક સૂર્યા સાથે ક્રીઝ પર હતા. મિશેલ સેન્ટનરે 18મી ઓવરમાં 5 રન આપ્યા હતા. ભારતીય બેટ્સમેન 19મી ઓવરમાં લોકી ફર્ગ્યુસન સામે 7 રન બનાવી શક્યા હતા. છેલ્લી ઓવરના 5માં બોલ પર સૂર્યાએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. ત્યારે આ શ્રેણીનો નિર્ણાયક મેચ 1લી ફેબ્રુઆરી ખાતે રમાશે.