- જોરદાર ધડાકાથી આસપાસમાં આવેલી ઓફિસો-દુકાનોના કાચ તૂટી પડયા હતા
- ટેન્કર ઉપર ચડેલા ઇઝહાર ઇઝમતુલ્લા આલમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
- એક કારીગરને ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે લઇ જવાયો હતો
ગાંધીધામની ભાગોળે સ્મશાન નજીક પાર્કિંગ અને ગેરેજ વિસ્તારમાં ઊભેલાં ટેન્કરમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તેવામાં ટેન્કરમાં પ્રચંડ ધડાકો થતાં ટેન્કર ઉપર ચડેલા ઇઝહાર ઇઝમતુલ્લા આલમ (ઉ.વ. 47) નામના ચાલકનું મોત થયું હતું. આ જોરદાર ધડાકાથી આસપાસની ઓફિસો, દુકાનોના કાચ તૂટી ગયા હતા. શહેરની ભાગોળે આવેલા ગળપાદર ઓવરબ્રિજ નજીક સ્મશાન પાસેના પાર્કિંગ અને ગેરેજ વિસ્તારમાં ગતરોજ આ જોરદાર ધડાકો થયો હતો. મિથેનોઇલનું ટેન્કર ખાલી કરાવી ચાલક ઇઝહાર પોતાના કબજાનાં ટેન્કરની મરંમત કરાવવા આ વિસ્તારમાં આવ્યો હતો.
ટેન્કરમાં કામ ચાલી રહ્યું હતું તેવામાં આ આધેડ ટેન્કરની ઉપર ચડયો હતો તેવામાં પ્રચંડ ધડાકો થતાં ટેન્કર ઉપર ચડેલા આધેડના ફુરચા ઊડી ગયા હતા. આ પ્રચંડ ધડાકાથી આધેડનો એક પગ ઊડીને છેક ઓવરબ્રિજ ઉપર તથા એક પગનો પંજો ખૂણામાં જઇને પડયો હતો જ્યારે ટેન્કરનું પતરું તો ઓવરબ્રિજ ઠેકીને સામેના ભાગે આવેલા લાકડાના એક બેન્સામાં જઇને પડયું હતું. આ જોરદાર ધડાકાથી આસપાસમાં આવેલી ઓફિસો-દુકાનોના કાચ તૂટી પડયા હતા. તો અહીં કામ કરતા આસપાસના લોકોમાં ભારે નાસભાગ થઇ પડી હતી. છેલ્લા 10 વર્ષથી એક જ ટ્રાન્સપોર્ટ પેઢીમાં કામ કરનાર આ ચાલકનું 30 ટકા શરીર જ હાથમાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ જોરદાર ધડાકાથી અન્ય એક કારીગરને પણ ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે લઇ જવાયો હતો. જોરદાર ધડાકાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.
રિપોર્ટર: ભારતી માખીજાણી