આપણી શિક્ષણ પ્રણાલીમાં હજુ ઘણા પરિવર્તનની જરૂર છે. કારણકે અંગ્રેજો ક્લાર્ક બનાવવા માટે જે શિક્ષણ પ્રથા છોડીને ગયા હતા તે પ્રથા આજે પણ યથાવત રહી છે. વિશ્વની તુલનાએ હજુ પણ શિક્ષણ પ્રથામાં આપણે બિચારા છીએ તે વાસ્તવિકતા છે.
વિશ્વની તુલનાએ હજુ પણ શિક્ષણ પ્રથામાં આપણે બિચારા
સોશિયલ મીડિયાનો આ યુગ ભારતની યુવા પેઢીને અભ્યાસમાં નબળા બનાવી રહ્યો છે. એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. એન્યુઅલ સ્ટેટ્સના અપડેટેડ રિપોર્ટમાં જાણ થઇ કે 14 થી 18 વર્ષની વયના એક ચતૃર્થાંસ વિદ્યાર્થીઓ તેમની પ્રાદેશિક ભાષાઓમાં ધોરણ 2ના લેવલના પુસ્તકો પણ સારી રીતે વાંચી નથી શકતા.
આ રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો કે 56% યુવા એવા છે જેઓ અંગ્રેજીમાં વાક્યો પણ વાંચી નથી શકતા. શિક્ષણ રિપોર્ટ એસર 2023 જારી કરાયો હતો. આ એક રાષ્ટ્રીય સ્તરનો સરવે જે ગ્રામીણ ભારતમાં બાળકોના સ્કૂલના અભ્યાસ અને શીખવાની સ્થિતિ અંગે તારણ રજૂ કરે છે. એસર 2023 બિયોન્ડ બેઝિક્સ સરવે 26 રાજ્યોના 28 જિલ્લામાં હાથ ધરાયો હતો જેમાં 14-18 વર્ષની વયજૂથના કુલ 34745 યુવાઓને આવરી લેવાયા હતા.
રિપોર્ટમાં જાણ થઇ કે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સ્માર્ટફોનનો વધતો જતો ઉપયોગ એક મોટો પડકાર બની રહ્યો છે અને તેની ગંભીર આડઅસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. સરવેમાં સામેલ લગભગ 95 ટકા ઘરોમાં સ્માર્ટફોન હતા અને લગભગ 95 ટકા પુરુષ અને 90 ટકા મહીલાઓ તેનો ઉપયોગ કરતી હતી. સ્માર્ટફોનનો ઉપયોગ મનોરંજનમાં વધુ અને અભ્યાસ માટે ઓછો થઈ રહ્યો છે. નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે રિપોર્ટમાં યુવાઓના મગજ પર સોશિયલ મીડિયા પર સ્માર્ટફોનની વધુ ઈફેક્ટ જોવા મળી હતી. 14 થી 18 વર્ષના 91% વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
રિપોર્ટની માનીએ તો 14થી 18 વર્ષની વયના કુલ કિશોરો પૈકી 86.8 ટકા યુવાનોએ શૈક્ષણિક સંસ્થાનોમાં એડમિશન લીધા છે. જોકે એડમિશન લેનારા 86.8 ટકા કિશોરો પૈકી 25 ટકા વિદ્યાર્થીઓ એવા હતા જેઓ ધોરણ 2ના પાઠ્યપુસ્તક વાંચી જ નહોતા શકતા.