છીંડા બુરવા જીએસટીની કવાયત !!!
જીએસટી વિભાગે 5716 કરોડ રૂપિયાની વસુલાત કરી, જ્યારે 28ની ધરપકડ કરાઈ
જીએસટી વિભાગ અને આવકવેરા વિભાગ સતત એ દિશામાં જ કાર્ય કરી રહ્યું છે કે જેનાથી કરદાતાઓ કોઈપણ પ્રકારની છટકબારી ન ગોતે ત્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ અને મેં માસમાં જીએસટી અને કસ્ટમ્સની 14000 કરોડ રૂપિયાની છટકબારી ઝડપાય છે અને જીએસટી એ 28 લોકોની ધરપકડ કરી 5716 કરોડ રૂપિયાની વસૂલાત પણ કરી છે. હાલ કર ન કરવો પડે તેના માટે જીએસટી માં જે રીતે કરદાતાઓ કાર્ય કરી રહ્યા છે તેને ધ્યાને લઈ સરકાર છીંડા બુરવા જીએસટી કવાયત હાથ ધરી છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં, રૂ. 14,302 કરોડની જીએસટી છટકબારીના 2,784 કેસ શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન રૂ. 5,716 કરોડની કર વસૂલાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને આવકવેરા ચોરી અને કસ્ટમ્સ વિભાગ દ્વારા દાણચોરીના કેસોની તપાસની વિગતો આપી હતી. બીજી તરફ કસ્ટમ્સ માં 1031 કરોડ રૂપિયાની ચોરી હોવાનું પણ ખુલ્યું છે.
વર્ષ 2020-21 થી 2023-24 (એપ્રિલ-મે) વચ્ચે 43,516 કેસોમાં રૂ. 2.68 લાખ કરોડની જીએસટી કરચોરી મળી આવી હતી. આ સમયગાળા દરમિયાન 76,333 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે 1,020 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મેમાં રૂ. 14,302 કરોડની જીએસટી ચોરીના 2,784 કેસ મળી આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 5,716 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. સર્વે મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ અને જપ્તીના આંકડા, 3,946 જૂથો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 6,662 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
સર્ચ ઓપરેશન હાથ ધરીને 1765.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં 1,253 સર્વે પણ કરવામાં આવ્યા છે. સીતારમણે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ કરચોરીને પકડવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેવી હાઇટેક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે તેના કારણે આ કરચોરી પકડાઇ છે. કેટલાક મહત્વપૂર્ણ પગલાઓમાં કોમ્પ્યુટરની મદદથી મોનિટરિંગ અને ડેટામાં સંશોધન કરીને કેસોની પસંદગી કરવી, પસંદગી બાદ કાર્યવાહીને પ્રાથમિકતા આપવા માટે મોનિટરિંગ સિસ્ટમ, કરચોરીને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આવકવેરા બિઝનેસ એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે વિભાગના તમામ વર્ટિકલ્સ પર લાગુ કરવામાં આવશે, એમ સીતારામના નિવેદનમાં કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બનાવટી અથવા બોગસ રજિસ્ટ્રેશનને પકડવા વિભાગે તાજેતરમાં 16 મેથી 15 જુલાઈ સુધી દેશભરમાં ઝુંબેશ શરૂ કરી હતી.
કેસીનો અને ઓનલાઇન ગેમિંગ ઉપર જીએસટી દર 28 ટકા રહેવાની ધારણા
જીએસટી કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે. ત્યારે નાણામંત્રાલયે કહ્યું કે કોઈ પણ પ્રકારની ઓનલાઈન રમત અથવા કેસીનો પર દરેક ટેબલ પર એક અધિકારીને હાજર રાખવા શક્ય નથી જેથી કેસીનો અને ઓનલાઇન ગેમિંગ ઉપર જીએસટી નો દર 28 ટકા જ રહેશે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા જીએસટી લાદ્યા બાદ આ બેઠકમાં જીએસટી કાઉન્સિલ સમક્ષ જીએસટી કાયદામાં સુધારો અને નિયમોને મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.