મૃદુભાષી રાજકારણી અને ભારતીય કોંગ્રેસ પાર્ટીના ’’ટ્રબલશૂટર’’ એવા એહમદ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. એહમદ પટેલે કોંગ્રેસમાં કિંગ નહિ પણ કિંગમેકરની મહત્વની ભૂમિકા ભજવેલી. કોંગ્રેશના ‘ચાણક્ય’ અને ગાંધી પરિવારના વિશ્વાશુ એવા અહમદ પટેલના જીવન સફર પર એક નજર કરીએ તો અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ 1949ના રોજ ગુજરાત રાજ્યના ભરૂચમાં એક કૃષિવાદી પરિવારમાં થયો હતો. મોહમ્મદ ઇશિકજી પટેલ અને હવાબેન મોહમ્મદભાઇના તેઓ ત્રીજા સંતાન હતા. તેના પિતા સામાજિક કાર્યકર હતા. રાજકારણમાં જોડાવાની પ્રેરણા પણ તેમને તેમના પિતા પાસેથી જ મળેલી.
અહમદ અપટેલનું દામ્પત્યજીવન
અહમદ પટેલના 1976માં લગ્ન થયાં હતા. તેમના પત્નીનું નામ મેમુના અહમદ છે. તેમને એક પુત્ર અને પુત્રી છે.
અહમદ પટેલની રાજકીય કારકિર્દી :
તેમને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત નાની નાની ચૂંટણી લડીને કરી હતી. તેમને 1976માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં પ્રથમવાર સ્થાનિક ચૂંટણી લડી હતી. ત્યારબાદ 1977માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં છઠ્ઠી લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમાં એહમદ પટેલે જીત મેળવી હતી. 1985માં તેઓ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ બન્યા હતા. તેમને 1988માં જવાહર ભવન ટ્રસ્ટના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે જવાહરલાલ નેહરુની જન્મ શતાબ્દી ઉજવણી માટે સમયસર જવાહર ભવનનું નિર્માણ પૂર્ણ કરાવી તેનો શ્રેય પોતાને નામ કર્યો હતો. સોનિયા ગાંધીની નિકટતા અને ગાંધી પરિવારના સૌથી વિશ્વાસુ વ્યક્તિ હોવાને કારણે તેમને કોંગ્રેસ પાર્ટીમાં મહત્વનો હોદ્દો સંભાળેલો
તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે પણ સેવા આપી હતી. પક્ષના વરિષ્ઠ સભ્ય મોતીલાલ વોરાની જગ્યાએ તેમની 2018માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી .
અહમદ પટેલે 1977માં કોંગ્રેસની સાખ બચાવી
અહેમદ પટેલ ઇંદિરાગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. આથી જ તો તેઓ કોંગ્રેશના ચાણક્ય ગણાય છે. 1977ની ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આયોજીત કરી સમ્ર્થ્કોને આકર્ષયાં હતા.
1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.
વર્ષ 2005માં, તેમણે ભરૂચ જિલ્લામાં વીજળીકરણને વેગ આપવા માટે મહત્વની કામગીરી કરેલી. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતિકરણ યોજના હેઠળ આ સમયે પાંચ જિલ્લા આવરી લેવામાં આવ્યા હતા. જેમથી એક ભરુચ જિલ્લો પણ હતો. આ કામગીરીનો શ્રેય અહમદ પટેલને જાય છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રાફિક નિયંત્રણ માટે બનાવવામાં આવેલ સરદાર પટેલ પુલના નિર્માણમાં પણ તેમનું એક વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
ઓક્ટોમ્બર મહિનામાં તેમના કોરોના પોઝિટિવના સમાચાર આવ્યા હતા. એકવખત કોરોનાને માત આપ્યા બાદ ફરી કોરોનાની જ્પેટમાં આવતા અંતે જિંદગીની લડત હાર્યા છે. તેમની અંતિમ ઈચ્છા એવી હતી કે તેમની કબર તેમના માતા પિતાની કબરની બાજુમાં જ હોય આથી તેમની અંતિમ ઈચ્છા મુજબ ભરૂચમાં દફનવિધિ કરવામાં આવ્શે.