ઠાકોર સાહેબ મહેરાણજી બીજાએ ઇસ ૧૭૨૦માં માસુમખાન સામેના યુધ્ધમાં વિરગતિ પામ્યા અને રાજકોટનું નામ માસુમાબાદ પણ થયું: રણમલજી પહેલાએ અને એમના ભાઇઓએ ઇ.સ.૧૭૩૨માં માસુમખાનને માર્યો રાજકોટનું નામ પુન: સ્થાપિત કર્યું
રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક તા. ૩૦મી જાન્યુઆરી ૨૦૨૦એ થવાનું છે. રણજિત વિલાસ પેલેસ ખાતે આ ભવ્ય સમારોહની તડામાર તૈયારી ચાલી રહી છે. રાજકોટના ઇતિહાસમાં એક અનોખો અને અભૂતપૂર્વ સમારોહ યોજાવાનો છે. સમગ્ર રાષ્ટ્રમાં નજીકના ભૂતકાળમાં આવો રાજતિલક સમારંભ યોજાયો નથી. રાજકોટના લોકો સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા, એમના પુત્ર ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અને પુત્ર યુવરાજ જયદિપસિંહને તો ઓળખે છે. પરંતુ રાજકોટના અગાઉના રાજાઓ પણ પ્રતાપી અને પરગજુ હતા. રાજકોટના આંગણે જ્યારે રાજપરિવારનો આવો મહત્વનો ઉત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે રાજકોટ રાજ્યના ઇતિહાસ પર પણ નજર નાંખવી જોઇએ. રાજકોટનો ઇતિહાસ પણ દેશના અન્ય રજવાડાં જેવો ઉલ્લેખનીય છે. અહીં શૌર્ય અને સાહિત્ય બન્નેનો સમન્વય જોવા મળ્યો છે. દાયકાઓથી રાજવી પરિવાર પ્રજાના સુખ દુ:ખમાં એની પડખે રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલાં ૨૨૨ રજવાડાં હતાં. ૧૮૨૦માં બ્રિટિશ એજન્સીની સ્થાપના સૌરાષ્ટ્રમાં થઇ પછી રજવાડાંના કદ મુજબ ૯ થી ૧૫ તોપની સલામીમાં વિભાજિત કર્યાં જેમાં રાજકોટનો પણ સમાવેશ થતો હતો. રાજ્યનું ક્ષેત્રફળ ૭૩૦ ચોરસ કિમી હતું અને એમાં ૬૪ ગામો હતાં. રાજકોટ રાજ્યની સ્થાપના જામનગરના જાડેજા વંશના રાજવીના વંશજ જામ વિભાજીએ ૧૬૦૮માં કરી હતી.
પહેલાં રાજકોટ રાજ્યની રાજધાની ચીભડા અને પછી સરધાર ગામે હતી. ઇ.સ.૧૬૩૫માં જામ વિભાજીનું અવસાન થતાં તેમના પુત્ર મહેરામણજી પહેલા સરધારની ગાદીએ બિરાજમાન થયા. ૧૬૫૬માં મહેરામણજીના અવસાન પછી એમના બન્ને પુત્રો ઠાકોર સાહેબ શ્રી સાહેબજી અને નાનાભાઇ કુંભોજી પહેલાએ ગોંડલની સ્થાપના કરી હતી. સાહેબજીના સરધારના રાજ્યકાળ દરમિયાન શ્રીસ્વામી નારાયણ ભગવાને સરધાર દરબાર ગઢમાં ચાતુર્માસ કર્યો અને લીમડાના વૃક્ષ નીચે બેસી ગામના લોકો સાથે સત્સંગ કર્યો અને જળચરને આશીર્વાદ આપ્યા. સાહેબજીના અવસાન પછી બામણિયોજી ૧૬૭૫માં સરધાર એટલે કે રાજકોટ રાજ્યની ગાદીએ બેઠા. રાજકોટ રાજ્યની પવિત્ર ગાયો કાળીપાટમાં મિયાણાંઓએ વાળતાં તે પવિત્ર ગાયોના રક્ષણ માટે નકલંગ વીડ પાસે મિયાણાઓ સામે ધમાસાણ યુધ્ધમાં તેઓ વીર ગતિ પામ્યા અને શુરાપુરા બન્યા. આજે પણ રાજ પરિવાર અને વિભાણી જાડેજા રાજપૂતો દર વર્ષે કાળી ચૌદસના દિવસે બેડી પાસે રણદેરીની પૂજા અર્ચન કરવા જાય છે. ત્યારબાદ મહેરામણજી બીજા ગાદીએ બેઠા. ઇસ ૧૭૨૦માં માસુમખાન સામેના યુધ્ધમાં ઠાકોર સાહેબ શ્રી મહેરામણજી બીજા યુધ્ધમાં વિરગતિ પામ્યા. આજી નદીને સામે કાંઠે સોળથંભી કહેવાય છે ત્યાં ખાંભી છે. માસૂમખાને રાજકોટનો કોટ બંધાવી ખાઇ ખોદાવી રાજકોટનું નામ માસૂમાબાદ રાખ્યું હતું. રાજકોટની ફરતે કિલ્લો બંધાવ્યો. તે કિલ્લાને આઠ દરવાજા હતા. નવા નાકા, કોઠારિયા નાકા, રૈયા નાકા વગેરે તરીકે એ ઓળખાયા. ૧૭૨૦ થી ૧૭૩૨ એમ ૧૨ વર્ષ માસૂમખાને રાજકોટ-માસૂમાબાદ પર રાજ કર્યું. જેમને હરાવીને-મારીને એણે સત્તા લીધી હતી એ મહેરામણજીને સાત પૂત્રો હતા. તેમણે માસૂમખાનને હેરાન કરી મૂક્યો અને મોટા પુત્ર રણમલજી પહેલાએ માસૂમખાનને મારી નાંખી રાજ્ય પાછું મેળવ્યું અને એનું નામ પણ રાજકોટ પુન: સ્થાપિત કર્યું.
રાજકોટમાં રાંદરડા તળાવનું નિર્માણ,પરા બજારનું બાંધકામ, જુગાર અટકાવવાનો કાયદો,પશુ-પક્ષીના શિકારનો કાયદો વગેરે બાવાજીરાજ બાપુના સમયમાં થયેલાં નોંધપાત્ર કામ છે. ૧૮૮૩ થી ૮૫ વચ્ચે રાજકોટમાં હોસ્પીટલ પણ બનાવાઇ હતી. બાવાજીરાજ બાપુ પછીત્યાર બાદ ૧૮૯૦ થી ૧૯૩૦ સુધી લાખાજીરાજ રાજકોટના રાજવી રહ્યા અને પ્રજાએ એમને પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજ્યા. રાજકુમાર કોલેજમાં ભણ્યા ઉપરાંત એ દહેરાદુન જઇને ઇમ્પિરીયલ કેડેટ કોર્પ્સમાં લશ્કરી તાલીમ લઇ આવ્યા હતા. રાજાશાહીમાં પણ લોકશાહીના મૂલ્યો જાળવનાર રાજવી તરીકે તેઓ પ્રખ્યાત હતા.
૧૯૨૧માં ગાંધીજીને એમણે રાષ્ટ્રીય શાળા બનાવવા માટે જગ્યા આપી અને એમની ઉપસ્થિતિમાં જ એનું ઉદઘાટન પણ થયું. ૧૯૨૪માં રવીન્દ્રનાથ ટાગોર રાજકોટ આવ્યા ત્યારે પણ પ્રજા વતી એનું સન્માન કર્યું હતું અને ૧૯૨૫માં ગાંધીજીને દરબાર ગઢ ખાતે જાહેર સમારોહમાં સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન આપીને એમનું સન્માન કર્યું હતું. એમના સમયમાં જ રાજકોટમાં કોલેજ શરુ કરવાની પણ તૈયારી શરુ થઇ હતી. છપ્પનીયા દુષ્કાળ વખતે એમણે ઠેર ઠેર કેટલ કેમ્પ શરુ કરાવ્યા હતા. રાજ્યમાં ગ્રામ પંચાયત અને ગ્રામ સ્વરાજ એમના સમયમાં શરુ થયા. લંડન અને મુંબઇની બર્ગમેન એન્ડ હોફમેન કંપનીએ રાજકોટમાં ઓઇલમિલ સ્થાપવાની ઇચ્છા પણ એમના સમયમાં દર્શાવી હતી. જો કે વુલન અને કાપડમીલ એમણએ પોતે શરુ કરાવી હતી. વીજળીઘરની યોજના પણ લાવ્યા હતા.
પોતાના દીવાન હરજીવન કોટકને લાખાજીરાજ બાપુએ કહ્યું હતું કે ફક્ત રાજ્યની તિજોરીમાં નાણાં એકઠા કરવાનો જ મને મોહ નથી.લોકો માં વાહવાહ કહેવરાવવાની પણ મને ઇચ્છા નથી અને અંગત મોજ શોખ મારે પોષવો નથી. પરંતુ મારી પ્રજા સુખી અને ઉન્નત થાય એ જ એક અંતિમ ઇચ્છા છે. શિક્ષકોનું સંમેલન એમના સમયમાં મળ્યું એ એનુસાર કેમેસ્ટ્રી, એન્જિનીયરીંગ વિષયના પુસ્તકોનો ગુજરાતી અનુવાદ એમણે કરાવવા અનુરોધ કર્યો હતો. છોકરા અને છોકરીઓ માટે એમણે સ્કાઉટ-ગાઇડની પ્રવૃત્તિ પણ શરુ કરી હતી.
રાજકોટમાં પ્લેગ ફેલાયો ત્યારે ઘરે ઘરે જઇને એમણે લોકોની ખબર પૂછી હતી. લાખાજીરાજ પછી ધર્મેન્દ્રસિંહ રાજકોટના રાજા બન્યા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ એન્ડ લો કોલેજની સ્થાપના એમના સમયમાં થઇ હતી. લાખાજીરાજ પુસ્તકાલયની શરુઆત એમના સમયમાં થઇ અને એમની પ્રતિમા પણ મુકાવી. રાજકોટમાં કાપડ માર્કેટ પણ ધર્મેન્દ્રસિંહજીના સમયમાં સ્થપાઇ. રાજકોટ રોલ્સરોય ૧૯૩૪, અને સિલ્વર ચેરિએટ ૧૯૩૪ બન્ને એમણે પોતાની આગવી સૂઝથી બનાવરાવી હતી જેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી.
એમને કોઇ સંતાન ન હોવા થી એમના અવસાન પછી એમના ભાઇ પ્રદ્યુમ્નસિંહ આવ્યા જે રાજાશાહી સમયના છેલ્લા રાજા હતા. આઝાદી વખતે એમણે સરદાર વલ્લભભાઇ પટેલને રાજ્ય સોંપ્યું હતુ. પ્રદ્મુમ્નસિંહજીએ રાજકોટને પ્રદ્યુમ્ન પાર્ક જેવા સુંદર સ્થળની ભેટ આપી હતી. રાજકોટ જેમને દાદાના નામે ઓળખે છે એ મનોહરસિંહજી જાડેજા પ્રદ્યુમ્નસિંહજીના જ પુત્ર. એમણે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી ચૂંટાઇ, લોકોની સતત સેવા કરી. બેસ્ટ પાર્લામેન્ટરીયન તરીકે એ ઓળખાયા. વિધાનસભામાં બોલે કોઇ પ્રશ્ર્ન ઉઠાવે તો એમ જ લાગે કે જાણે સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગરમાં ગૂંજી રહ્યો છે. એ ગરીબોના પ્રતિનિધી હતા. રાજકોટના-સૌરાષ્ટ્રના પ્રશ્નો માટે લડ્યા. એમના મતવિસ્તારના ન હોય એવા લોકો પણ એમને રજૂઆત કરતા. દાદા પાસે કોઇ હોદ્દો ન હોય તો પણ એમનું સન્માન સમાજમાં છેવટ સુધી રહ્યું. આજે પણ છે.
હવે એમના પુત્ર માંધાતાસિંહજી જાડેજા પણ લોકોની વચ્ચે રહીને એ પરંપરા નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમમાં ડાયરેકટર તરીકે તેમણે જવાબદારી નિભાવી, તો ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીમાં પણ સમાવેશ થયો. પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓને લીધે તેઓ ગ્રીન એમ્બેસેડર પણ બન્યા. જૂનાં સ્થાપત્ય અને શિલ્પકળા માં એમનો રસ જાણીતો છે. પુરાતન સ્થાપત્ય અને વારસાની જાળવણી માટે તેઓ સતત જાગૃત છે. સેવા સેતુ જેવા સરકારી પ્રકલ્પ હોય કે સમાજની અન્ય જરુરત હોય તેઓ સેવા માટે સતત તત્પર રહે છે. દસ વર્ષથી એ ભાજપ સાથે છે. અને હવે રાજકોટના ઠાકોર સાહેબ છે. હવે એમના રાજ્યાભિષેક અને રાજતિલક દ્વારા એ રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ બની રહ્યા છે.