દિવાળીના તહેવારમાં એક તરફ બજારમાં ખરીદીની સીઝન ધીરેધીરે રંગ લાવી રહી છે ત્યારે ચુનાના ધંધામાં જીએસટીને લાખો રૂપિયાનો ચુનો ચોપડાતો હોવાની આશંકાને લઇને આજે સવારથી જ જીએસટીના દરોડાઓ માટે ઉપલેટામાં ટીમો આવી પડતાં કરચોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ઉપલેટામાં ધોરાજી રોડ અને રબ્બારીવાસમાં પ્રોડક્શન યુનિટ ધરાવતાં એશિયન લાઇમમાં જીએસટી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ચુનાના વેપારી અને એશિયન લાઇમમાં પ્રોપરાઇટર સરફરાજ રહેમાનભાઇના કારખાના સહિત અન્ય વેપારીઓને ખાસ કરીને સ્ક્રેપ મર્ચન્ટ ભંગારના ડેલાવાળાઓના વ્યવસાયિક સ્થળોએ જીએસટીની તપાસ ચાલી રહી છે.
ચુનાના ધંધાર્થીઓ દ્વારા લાખો રૂપિયાની જીએસટી ચોરી થતી હોવાની ફરિયાદને લઇને દિવાળી ટાળે જ ઉપલેટામાં જીએસટીના દરોડાને લઇને વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
ચુનાના વેપારીઓને ત્યાં જીએસટીની તપાસ દરમિયાન કેટલા રૂપિયાની ગેરરીતી પકડાઇ છે તેની વિગતો મેળવાઇ રહી છે. કરચોરીનો આંક લાખોમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.