Abtak Media Google News
  • ‘આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે,તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે.’: બ્રહ્માકુમારી બી કે શિવાનીદીદી

યોગ એક પ્રાચીન અભ્યાસ છે.જેની શરૂઆત હજારો વર્ષો પહેલા ભારતમાં થઈ હતી.આ એક સંપૂર્ણ અનુશાસન છે.જે શારીરિક મુદ્રાઓ, શ્વાસ અભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને નૈતિક સિદ્ધાંતોને શારીરિક,માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને વેગ આપવા માટે જોડે છે.શરીરનું લચીલાપન,શક્તિ, સંતુલન,તનાવ પ્રબંધન અને સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં યોગના પ્રભાવને લીધે યોગને દુનિયાભરમાં અપાર લોકપ્રિયતા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વ્યક્તિ અને પૂરા સમાજ પર યોગના સકારાત્મક પ્રભાવ અને ફેલાવા માટે એક મંચના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે.

આ દિવસે યોગના મહત્વને ઉજાગર કરવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ,કાર્ય શાળાઓ, સેમિનાર અને પ્રદર્શનના આયોજન કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે.જે યોગના વિભિન્ન પાસાંઓ અને સમકાલીન પડકાર માટેની પ્રાસંગિકતા પર કેન્દ્રિત હોય છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ *માનવતા* છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો હેતુ યોગ અભ્યાસના લાભની બાબતમાં વૈશ્વિક જાગૃતિ પેદા કરવાનો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સભ્ય દેશોને પોતાના નાગરિકોની શારીરિક નિષ્ક્રિયતા ઓછી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે. શારીરિક નિષ્ક્રિયતા દુનિયાભરમાં મૃત્યુનું એક પ્રમુખ કારણ છે.હૃદય સંબંધી બીમારી, કેન્સર અને મધુપ્રમેહ જેવી ગંભીર બીમારીઓ માટે શારીરિક નિષ્ક્રિયતાને એક પ્રમુખ જોખમ ગણવામાં આવે છે.જો કે યોગમાં ફક્ત શારીરિક ગતિવિધિ જ સામેલ નથી હોતી.જેમકે પ્રસિદ્ધ યોગાભ્યાસકર્તા સ્વર્ગીય બી.કે.એસ.આયંગરજી એ કહ્યું હતું કે યોગ રોજબરોજની જિંદગીમાં સંતુલન અને માનસિકતા વિકસિત કરે છે,તેમજ કામ કરવાની કુશળતામાં વધારો કરે છે.

યોગ મન અને શરીરનો એક અભ્યાસ છે,જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.તનાવને ઓછો કરવામાં અને લચીલાપનમાં સુધારો કરવામાં અને તાકાત વધારવામાં યોગ મદદરૂપ થાય છે.યોગ એક સાર્વભૌમિક અભ્યાસ છે.જેનો આનંદ બધી જ ઉંમરના અને વિવિધ ક્ષમતાઓ ધરાવનાર લોકો લઈ શકે છે.યોગ આપણા શરીર અને મનને જોડવા તેમજ સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટેનો એક શાનદાર પ્રયોગ છે.યોગ એક એવો અભ્યાસ છે જેમાં આપણે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તનાવ અને નકારાત્મકતાને દૂર કરી શકીએ છીએ.

યોગથી બાળકોને પણ ખૂબ જ લાભ થતો હોય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા શારીરિક ગતિવિધિ અને સ્વાસ્થ્ય પર વૈશ્વિક કાર્ય યોજનામાં યોગને વેગ વધારવા માટે ખૂબ ભાર દેવામાં આવ્યો છે.યોગ બાળકોની શક્તિ વધારવા માટે અને લચિલાપન વધારવા માટે એક ઉત્કૃષ્ટ વિધિ છે.યોગ અને આસન કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ફૂર્તિનું નિર્માણ થાય છે. ચંચળતા ઘટે છે.બાળકોના દરેક કાર્યમાં ગતિ અને કૌશલ્યનો વિકાસ કરવામાં યોગ મહત્વનો ભાગ ભજવે છે.યોગ દ્વારા બાળકોમાં શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે.

અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા,નવી દિલ્હીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ના ઉપલક્ષ્યમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમનો વિષય ’મહિલા સશક્તિકરણ માટે યોગ’એવો રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રસિદ્ધ પ્રેરક વક્તા સિસ્ટર બીકે શિવાનીજીએ ઉપસ્થિત રહીને લોકોને સંબોધિત કર્યા હતા.તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનવતાની ભલાઈનું આરોપણ થાય એ માટે થઈને યુવાનોમાં દ્રઢતા અને યોગનું મહત્વ વધે એવા આયોજન થવા જોઈએ.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગનો અભ્યાસ શાંત મનમાં વ્યક્તિને સમાજ કલ્યાણ માટે એક શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ મળે છે.તેમણે આ વાત પર વિશેષ ભાર દેતા કહ્યું હતું કે સર્વાંગીણ વિકાસ માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે.તેમણે પોતાના ઉદ્ઘાટન ઉદબોધનમાં કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને માર્ગદર્શનમાં મન,ભાવના અને આત્માને મજબૂત કરવા માટે યોગ દિવસ મનાવવો જોઈએ.વિશેષમાં શિવાની દીદી એ જણાવ્યું હતું કે,જીવનમાં આયુર્વેદના અનુપાલનથી જે ફાયદાઓ થાય છે એવી જ રીતે બહારની દુનિયા સાથે એકજૂથ થવા માટે યોગ મદદરૂપ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયુર્વેદ અને યોગ એક સિક્કાની બે બાજુ સમાન છે.આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે,તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે.તેઓએ અંતમાં જણાવ્યું હતું કે માત્ર ભણાવવું જરૂરી નથી, પરંતુ યોગ અને આયુર્વેદ બંનેનો અભ્યાસ કરાવવો જરૂરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.