અષાઢીબીજના અવસરે ભરવાડ-રબારી સમાજ આયોજિત શોભાયાત્રા માં હૈયે-હૈયું દળાયું
મોરબી ખાતે ગઈકાલે અષાઢીબીજ ના અવસરે ભરવાડ-રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજીની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.
સૌરાષ્ટ્રની સૌથી મોટી કહી શકાય તેવી આ શોભાયાત્રા અત્રેના પ્રસિદ્ધ મચ્છુમાતાજીના મંદિરે થી પ્રારંભ થઇ હતી અને મુખ્ય રાજમાર્ગો પર થઇ દરબારગઢ નજીક મચ્છુમાતાજી ના બારા ખાતે સંપન્ન થઇ હતી.
સવારે મચ્છુમાતાજીના મંદિરે થી આસ્થાભેર નીકળેલી શોભાયાત્રામાં ભરવાડ-રબારી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ જોડાયા હતા અને શોભાયાત્રા દરમિયાન રાસ-ગરબા લઇ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી હતી
શોભાયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લાખો લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા હતા. અને રથયાત્રા એટલી વિશાલ હતી કે નગર દરવાજા થી લઇ જુના બસ સ્ટેન્ડ સુધી સર્વત્ર હૈયે હૈયું દળાય એટલી ચિક્કાર મેદની જોવા મળી હતી આ તકે ભક્તજનો એ ઉત્સાહભેર પરંપરાગત ટીટોડો- હુડો અને રાસની રમઝટ બોલાવી હતી. રથયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમા નામાંકિત કલાકારો દ્વારા ભજન, રાસ,ગરબા રજુ કરાયા હતા શોભાયાત્રા ના સમાપન બાદ પણ મચ્છુ માતાજીની જગ્યા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને ઉપસ્થિત જનસમુહ માટે ફરાળ અને પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
શોભાયાત્રામાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજી ઉપરાંત એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ, પાંચ પી.એસ.આઈ અને ૧૩૦ પોલીસ જવાનો તથા એસઆરપી સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખડે પગે રહ્યો હતો.