‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’

અબતક, નિલેશ ચંદારાણા

વાંકાનેર

ગયા વર્ષે કોરોનાને કારણે પર્યુષણ પર્વની ઉજવણી થઇ શકી ન હતી પરંતુ આ વર્ષે સરકારની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરી પર્યુષણ પર્વમાં અનેરો ઉત્સાહ અને જિનેશ્ર્વર ભગવંતની આરાધનાની હેલી ચડે તેમ શ્રાવક-શ્રાવિકોઓ પર્યુષણ પર્વમાં ધર્મ સાધના કરી રહ્યાં છે.

આજે મહાવીર જન્મ વાંચન દરમ્યાન સાધ્વીજી ભગંવતો મૈત્રીદર્શિતાશ્રીજી અને સમકીતરત્નાશ્રીજીએ જણાવ્યું કે માતાના ગર્ભમાં જ બાળકો ઉત્તમ મનુષ્ય બને, પરાક્રમી વીર બને, શાસ્ત્રોના સાતા બને એ સંસ્કારો માતા દ્વારા અપાય છે એ મુજબ ભગવાન મહાવીરની માતા ત્રિશલાદેવીએ આત્માની અમરતા અને દેહની નશ્ર્વરતા મુજબ મોક્ષકર્મના બંધ માટેના સંસ્કારો આપતાં વર્ધમાનમાંથી ભગવાન મહાવીર થયા એ જૈનશાસનની જયગાથા છે.

ત્યાગની પરાકાષ્ઠા, તપશ્ર્ચર્યાની કઠોર સાધના કરતા તિર્થકરોએ વિશ્ર્વને અનેકાંતની, અપરિગ્રહની અને અહિંસાની મહામૂલી ભેટ આપી છે.

ભગવાન મહાવીરની માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના, મે‚, પારણાં સાથે જૈન સમાજનો જયજયકાર કરતી શોભાયાત્રા નીકળી હતી. જેમાં જૈન શ્રાવિકાઓ “એક જનમાયો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, ‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી એવા વીરપ્રભુના સ્તવનો ગાતાં ગાતાં યાત્રામાં જોડાયા હતાં.

જૈનસંઘ ના પ્રમુખ પ્રવિણભાઇ દોશી, મંત્રી રાજુભાઇ મહેતા ટ્રસ્ટીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ સહિત જૈન સમાજે ભાવપૂર્વક કલ્પસૂત્ર વાંચનના આજના દિવસે ભગવાન મહાવીરના જન્મવાંચનનો લહાવો લીધો હતો. શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી દેરાસરજી પહોંચી હતી. જ્યાં ભગવાનને પાંચ પોખણા કરી વધાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં બેન્ડવાજાની સુરાવલી સાથે શણગારેલા ભગવાનના રથોમાં જૈન સમાજના અગ્રણીઓ, મહિલા મંડળના બહેનો, યુવક-મંડળના સદસ્યો સાથે બહોળી સંખ્યામાં જૈન સમાજ શોભાયાત્રામાં જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.