બાફેલા શાકભાજી, પ્રિપેડ ફૂટ, મન્ચુરીયન, ચટણી, ગ્રેવી, ચેરી, જેલેપીનો, ગાર્લિક બ્રેડ, નુડલ્સ, રાઇઝ, દાળવડા અને વાસી લોટ સહિત 23 કિલો અખાદ્ય ખોરાકનો નાશ: નોટિસ ફટકારાઇ

બહારનું ખાવાના શોખીન રાજકોટવાસીઓએ ચેતી જવાની જરૂરિયાત છે. કારણ કે શહેરમાં વેંચાતી ખાદ્ય સામગ્રી આરોગ્ય માટે નુકશાનકારક હોય તેવું દિનપ્રતિદિન સતત પ્રસ્થાપિત થઇ રહ્યું છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ સ્થળેથી વાસી અને અખાદ્ય હોય તેવો 23 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે ચેકીંગ દરમિયાન જ્યોતિનગર-1 મેઇન રોડ પર માધવ એપાર્ટમેન્ટ પાસે ડીએનએસબી રેસ્ટો કાફે (લાલજી દિલ્હીવાલા)ને ત્યાં તપાસ કરતા ફ્રીઝમાં સંગ્રહ કરેલ પ્રિપેડ ફૂડ, બાફેલા શાકભાજી, મન્ચુરીયન, ચટણી, ગ્રેવી અને ચેરીનો 13 કિલો વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને ખાદ્ય સામગ્રીનું યોગ્ય સ્ટોરજ કરવા, હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા તથા ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. ન્યૂ 150 રીંગ રોડ ડીલાઇટ પાર્ટી પ્લોટ પાસે ટ્યુબ્ડ કોર્ટયાર્ડમાં તપાસ કરતા પ્રિપેડ ફૂડ, શાકભાજી, જેલીપીનો, ગાર્લિક બ્રેડ, પાસ્તા, નુડલ્સ, રાઇઝ સહિત પાંચ કિલો વાસી ખોરાકનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી.

ત્યારબાદ કાફલો રૈયા રોડ પર બાપાસીતારામ ચોકમાં ત્રાટક્યો હતો. અહિં શિવા મદ્રાસ કાફેમાં તપાસ કરતા ખૂલ્લામાં રાખેલા દાળવડા અને વાસી લોટ સહિત કુલ પાંચ કિલો અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. શહેરના આજી ડેમ, માંડાડુગર, આજી હોર્ક્સ ઝોન અને ન્યૂ આશ્રમ રોડ પર ખાદ્ય ચીજોનું વેંચાણ કરતા 38 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 17 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી. કનૈયા પુરી-શાકમાં બે કિલો દાઝ્યા તેલનો અને શિવ ઘુઘરામાંથી વાસી પાઉં અને બ્રેડનો બે કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

પંજાબી સબ્જીની ગ્રેવી, ચીઝ સ્લાઇસ, મેયો અને બટરના નમૂના લેવાયાં

આજે ચેકીંગ દરમિયાન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આવેલા રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા લીમીટેડના બર્ગર કિંગમાંથી પ્રોસેસ્ડ ચીઝ સ્લાઇસ ઓન સ્લાઇસ, રેસકોર્ષ રીંગ રોડ પર પ્રાઇડ એમ્પાયરમાં અજય એન્ટરપ્રાઇઝ (નેપલ પીઝા)માંથી ફૂડ કોસ્ટ મેયો લાઇટ બિગ બજારમાં  સેફાયર ફૂડ્સ પ્રાઇવેટ લીમીટેડ પીઝા હર્ટ્સમાંથી ડાયનામીક્સ ટેસ્ટી બટર અને અક્ષર માર્ગ પર બીવીકે ફૂડ, કાકે દી રોટીમાંથી પંજાબી સબ્જી માટેની ગ્રેવીનો નમૂનો લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.