- અંબર ચોકડી થી પંચવટી સુધીના માર્ગે તમામ પ્રકારના દબાણો હટાવાયા: ૧૨ રેકડી તથા અનેક પથારા કબજે કરાયા
જામનગર શહેરમાં ખાસ કરીને મુખ્ય જાહેર રોડ પર રેકડી કેબીનના દબાણો ખુબજ વધી ગયા છે, અને ટ્રાફિકજામની દિન પ્રતિદિન સમસ્યા સર્જાતિ રહે છે. આવી પરિસ્થિતિ માંથી પ્રજાજનોને મુક્તિ અપાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને શહેરના મુખ્ય રોડ પરના દબાણો હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તે જુંબેશના ભાગરૂપે આજે સવારે અંબર ચોકડી થી પંચવટી સુધીના માર્ગ પર એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઈ હતી, અને જાહેર માર્ગ ઉપર ખડકી દેવાયેલી એક ડઝનથી વધુ રેકડી-કેબીનો જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત કેટલાક પથારાઓ તથા અન્ય મંડપ સહિતના દબાણો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે પણ હટાવી લેવામાં આવ્યા છે. અને મોટાભાગે મુખ્ય માર્ગ ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે.
એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને અંબર ચોકડી થી પંચવટી સુધીના માર્ગે રેકડીના ધંધાર્થીઓમાં ભારે નાશ ભાગ થઈ હતી. જી.જી. હોસ્પિટલ ની સામેના ભાગમાં આવેલી દુકાનો, કે જેના વેપારીઓ દ્વારા રોડ પર કેટલોક માલ સામાન રાખવામાં આવે છે, તે પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યાં પણ ટ્રાફિકજામની પ્રતિદિન ખૂબ જ સમસ્યા રહે છે.
અહેવાલ: સાગર સંઘાણી