મેલડી માતાજીના મંદિરે મોડી રાતે મોટું ટોળું એકઠું થયું: પડધરી બંધનું એલાન
પોલીસે ત્વરિત કામગીરી કરી એક શખ્સને છરી સાથે ઝડપી લેતા બંધનું એલાન મોકૂફ
પડધરી ગામમાં દિવાળી સમયથી બે સમાજ વચ્ચે જગ્યા મામલે ચાલતી અદાવતમાં ગઇ કાલે રાત્રીના ફરી એકવાર ધર્ષણ થયું હતું. જેમાં માતાજીના તાવા અને ન્યાઝનાં પ્રસંગમાં બે સમાજ વચ્ચે કોમી તંગદિલી સર્જાઈ હતી. મામલો બિચકે તે પહેલાં જ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા સહિત એસઓજી સહિત પોલીસના ધાડેધાડા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંને જૂથ વચ્ચે સર્જાયેલા કોમી તંગદીલી બાદ માતાજીના મંદિરે હજારો લોકોના ટોળાઓ એકઠા થઇ ગામ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે ત્વરિત કામગીરી કરી એક શખ્સને ઝડપી લેતા બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે.
કોમી તંગદીલીના પગલે એલસીબી, એસઓજી સહિતની પોલીસના ધાડેધાડા ઉતારાયા
ધાર્મિક જગ્યાના મામલે દિવાળી સમયથી જ બંને જૂથ વચ્ચે ચાલતા વાદ-વિવાદના કારણે ધર્ષણ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે પડધરી ગામના દરવાજા પાસે અયોધ્યા ચોક તરીકે ઓળખાતા જગ્યા પાસે મેલડી માતાજીના મંદિરે તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની બાજુમાં મસ્જિદમાં ન્યાઝનો પ્રસંગ ચાલતી હતો. જે દરમિયાન મસ્જિદ તરફથી સોહિલ સલીમ સાળ નામનો એક શખ્સ છરી સાથે માતાજીના તાવા તરફ ધસી આવ્યો હતો અને બબાલ કરવા લાગ્યો હતો.
તે દરમિયાન હિન્દુ સમાજના લોકો હજારોની સંખ્યામાં એકઠા થઇ જતાં મામલો તંગદિલ બની ગયો હતો. જે ઘટના અંગે જાણ થતાં મિનિટોમાં જ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા સહિતનો કાફલો પડધરી ખાતે દોડી ગયો હતો અને મામલો બીચકે નહિ તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ હિન્દુ સમાજના લોકો હજારોની સંખ્યામાં એકઠા થઇ જતાં પોલીસને આરોપીઓને ઝડપી પાડવા માટે માંગ કરી પડધરી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે ત્વરિત કામગીરી કરી સોહિલ સાળ નામના શખ્સની અટકાયત કરી લેતા ગામ બંધનું એલાન મોકૂફ રાખ્યું હતું. પોલીસની સરાહનીય કામગીરીના કારણે મામલો બિચકાતાં અટવાઈ ગયો હતો.
આ બનાવમાં ભૂતકાળમાં દિવાળી સમયે માતાજીના મંદિર અને મસ્જિદ પાસે આવેલી જગ્યાના મામલે કોમી તંગદિલી સર્જાઈ હતી. ત્યાર બાદ હિન્દુ સમાજના લોકોએ અઠવાડિયામાં એકવાર એકઠું થઈ હનુમાન ચાલીસાનું પઠન કરવાનુ નક્કી કર્યું હતું. પરંતુ વડીલો અને આગેવાનોની સમજણ બાદ આ બાબતે સમાધાન થયું હતું.
પરંતુ ગઇ કાલે રાત્રીના માતાજીના મંદિરે ચાલતા તાવા પ્રસંગમાં મસ્જિદ તરફથી સોહિલ સાળ નામનો શખ્સ છરી લઈને ધસી આવતા પડધરીનો મામલો ફરી ગરમાયો છે. પોલીસે સોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાએ બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.