૧ વર્ષ માટે દેવા પરનો વ્યાજદર ૫ ટકા: ૩ લાખની લોન પર લાગુ કરાશે
મધ્યપ્રદેશમાં મોટાપાયે ખેડુતોના આંદોલન અને એમાં ૫ ખેડુતોના મોત બાદ દેશભરમાં ખેડુતોના દેવા પર માફી માટે સરકારને વિરોધીઓ દ્વારા નવા-નવા સુચનો આપવામાં આવી રહ્યા હતા. નાણામંત્રી દ્વારા પણ આવા દેવાદારોના દેવા માફી અંગે વિચારણા હેઠળ હોવાનું અગાઉ જણાવવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત એક વર્ષ ૨૦૧૭-૧૮ માટે ખેડુતોના દેવા પર વ્યાજનો દર ૫ ટકા કરી નાખવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટની આજથી બેઠકમાં દેશભરના રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ખેડુતોના દેવા માફીના આંદોલનો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડુતોની માંગણીમાં આંશિક રાહત મળે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ ખેડુતોના દેવા પર ૯ ટકા સ્થાને વ્યાજદર ૪ ટકા ઘટાડી અને હવે ૫ ટકાની વસુલી એક વર્ષ માટે કરવામાં આવશે. આ નિયમ ૩ લાખની લોન પર લાગુ પડશે.
૩ લાખની લોન પર ખેડુતોને ૧૫ હજારનો તેમજ ૧ લાખની લોન પર ૫ હજારનો ફાયદો થાય તે પ્રકારનો નિર્ણય આજે કેબીનેટ દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય જાહેર થયા બાદ દેશભરના ખેડુતોએ રાહત અનુભવી હતી.